મૂર્તિ તોડવાની ઘટનાઓથી PM નારાજ, ગૃહમંત્રાલયે રાજ્યોને આપ્યા નિર્દેશ

નવી દિલ્હી- હાલમાં દેશના કેટલાક ભાગોમાં બનેલી મૂર્તિ તોડવાની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સખત નારાજગી વ્યક્ત કરી છે. ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ બેલોનિયા ટાઉનમાં કોલેજ સ્ક્વેયર સ્થિત રશિયન ક્રાંતિકારીના નાયક વ્હાદિમીર લેનિનની મૂર્તિ તોડી પાડવામાં આવી હતી.આ ઘટના બાદ ગતરોજ રાત્રે તમિલનાડુના પેરિયાર અને ત્યારબાદ કોલકાતામાં ભારતના સ્વતંત્રતા સેનાની શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, આ ઘટનાઓ પર પીએમ મોદીની નારાજગી એ ત્રિપુરાની જીત બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અતિઉત્સાહિત નહીં થવાનો સંદેશ પણ માનવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ પ્રકારની ઘટનાઓથી નારાજ થયેલા પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ સાથે વાત કરી હતી. અને આ પ્રકારની ઘટનાઓ ન થાય તે માટે નક્કર પગલા લેવા જણાવ્યું છે. આ મામલે પીએમની સુચના બાદ ગૃહમંત્રાલયે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. જેમાં ગૃહમંત્રાલય દ્વારા  રાજ્યોમાં મૂર્તિ તોડવા કે અન્ય કોઈપણ પ્રકારની હિંસક ઘટનાઓ પર રોક લગાવવા નક્કર પગલા લેવા નિર્દેશ જારી કરવામાં આવ્યો છે.