નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ત્રણ ધારાસભ્યો હરમિત સિંહ પઠાણમાજરા, ચેતન સિંહ જોડામાજરા અને કુવર વિજય પ્રતાપ સિંહ ભાજપમાં જોડાયા છે. ત્રણેય ધારાસભ્યો સવારે દિલ્હીમાં ભાજપના મુખ્યાલય પહોંચ્યા હતા. અહીં તેમને ભાજપનું સભ્યપદ અપાવવામાં આવ્યું હતું.

પંજાબ ભાજપના અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લોએ જણાવ્યું હતું કે ભાજપનો કાફલો દિવસે ને દિવસે વધી રહ્યો છે. આજે મને ખૂબ જ ખુશી છે કે નિવૃત્ત આઈજી અને અમૃતસર ઉત્તરથી ધારાસભ્ય કુવર વિજય પ્રતાપ સિંહ, સમાનાથી ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી સરદાર ચેતન સિંહ જોડામાજરા તેમજ સનૌરથી ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા ભાજપમાં જોડાયા છે. અમે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે જે વિઝન સાથે તેઓ અમારી સાથે જોડાયા છે તેનું સંપૂર્ણ સન્માન કરવામાં આવશે અને તેમને પૂરતું માન-સન્માન તથા ગૌરવ આપવામાં આવશે. આમ આદમી પાર્ટીની ડૂબતી નાવમાંથી સમજદાર નેતાઓ અને ધારાસભ્યો બહાર નીકળીને અમારી પાસે આવી રહ્યા છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ.”
ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાં આપ્યાં હતાં
ઉલ્લેખનીય છે કે સનૌર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હરમિત સિંહ પઠાણમાજરા અને પંજાબના પટિયાલા જિલ્લાના સમાનાથી ધારાસભ્ય ચેતન સિંહ જોડામાજરાએ શનિવારે આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. બંને નેતાઓએ ભગવંત માનના નેતૃત્વવાળી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સરકાર રાજ્યમાં નશીલા પદાર્થોની સમસ્યા, વધી રહેલું દેવું અને શાસન સંબંધિત મુદ્દાઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છે.
VIDEO | Delhi: MLAs Harmeet Singh Pathanmajra, Chetan Singh Jouramajra and Kunwar Vijay Pratap Singh join BJP. Punjab BJP president Kewal Singh Dhillon and Delhi BJP president Virendra Sachdeva felicitate their induction into the party.
All the three MLAs were formerly with the AAP.
(Full video available on PTI Videos – https://t.co/bIyFWTfmBd)
— Press Trust of India (@PTI_News) November 2, 2026
કુવર વિજય પ્રતાપ સિંહે સોમવારે રાજીનામું આપ્યું
આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય અને પૂર્વ આઈપીએસ અધિકારી કુવર વિજય પ્રતાપ સિંહે સોમવારે પંજાબ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું. અમૃતસર ઉત્તર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા સિંહે વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાનને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ફેસબુક પોસ્ટ દ્વારા પોતાના નિર્ણયની જાણકારી આપતાં તેમણે લખ્યું હતું કે મેં પંજાબ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને લખેલા રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે હું ગૃહમાં મારી બેઠક પરથી રાજીનામું આપું છું, જે 1 નવેમ્બર 2026થી અમલી થશે.
આમ આદમી પાર્ટીએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તે પંજાબ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરીને બંને ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવાની માગ કરશે. પાર્ટીનો આરોપ છે કે આ બંને નેતાઓ પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.




