આલિયા, કૃતિએ સંયુક્ત રીતે મેળવ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર

નવી દિલ્હીઃ 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2023 સમારોહનું આજે બપોરે અહીં વિજ્ઞાન ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે વિજેતા કલાકારોને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

બોલીવુડ અભિનેત્રીઓ – આલિયા ભટ્ટ અને કૃતિ સેનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સંયુક્ત રીતે પ્રાપ્ત કર્યો છે. આલિયાએ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ માટે જ્યારે કૃતિએ ‘મિમી’ ફિલ્મ માટે આ એવોર્ડ જીત્યો છે. આલિયાએ આજના પ્રસંગે આઈવરી રંગની સાડી પહેરી હતી, જે તેણે લગ્નના દિવસે પહેરી હતી. એવોર્ડ સમારોહમાં તેનો અભિનેતા પતિ રણબીર કપૂર પણ ઉપસ્થિત રહ્યો હતો. કૃતિ સેનન તેનાં માતા-પિતા સાથે આવી હતી.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અલ્લૂ અર્જુને તેલુગુ ફિલ્મ ‘પુષ્પા’માં ભજવેલી ભૂમિકા માટે જીત્યો છે. તેણે પણ રાષ્ટ્રપતિ મુર્મુનાં હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો. તે એની પત્ની સ્નેહા રેડ્ડી સાથે આવ્યો હતો.

શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ તામિલ, હિન્દી અને અંગ્રેજીમાં રિલીઝ કરાયેલી ‘રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટ’ ફિલ્મને મળ્યો છે. ફિલ્મના દિગ્દર્શક અને અભિનેતા આર. માધવને આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

પંકજ ત્રિપાઠીએ શ્રેષ્ઠ સહાયક અભિનેતા (મિમી) અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ પલ્લવી જોશી (ધ કશ્મીર ફાઈલ્સ)એ મેળવ્યો હતો. પલ્લવી તેનાં પતિ અને ‘કશ્મીર ફાઈલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી સાથે આવી હતી.

પીઢ અભિનેત્રી વહીદા રેહમાનનું ‘દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’થી સમ્માન કરવામાં આવ્યું હતું. વહીદાએ રાષ્ટ્રપતિનાં હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ વર્ષે સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરનાર શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ તેલુગુ ફિલ્મ ‘RRR’ ને આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ નીખિલ મહાજનને મરાઠી ફિલ્મ ‘ગોદાવરી’ માટે આપવામાં આવ્યો છે. ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને રાષ્ટ્રીય એકતા વિષય પર આધારિત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેના ‘નરગિસ દત્ત એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ભાવિન રબારીએ શ્રેષ્ઠ બાળકલાકાર એવોર્ડ વિજેતા તરીકે ઘોષિત કરાયો છે.