નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હસ્તકની રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાનું ખાનગીકરણ થઈ ગયું છે. હવે તે ટાટા ગ્રુપની માલિકીની થઈ ગઈ છે. ટાટા સન્સ કંપનીએ એર ઈન્ડિયાને રૂ. 18,000 કરોડમાં ખરીદી લીધી છે. એર ઈન્ડિયાના કર્મચારીઓને સ્ટાફ ક્વાર્ટર્સ (એર ઈન્ડિયા કોલોનીઓ) છ મહિનામાં ખાલી કરી દેવાની નોટિસ આપવામાં આવી છે. આને કારણે કર્મચારીઓ નારાજ થયા છે.
ગ્રાઉન્ડ સ્ટાફ તથા સર્વિસ એન્જિનિયર કર્મચારીઓના યુનિયને ધમકી આપી છે કે જો એમને ક્વાર્ટર્સ ખાલી કરવાની ફરજ પાડવામાં આવશે તો તેઓ આવતી બીજી નવેમ્બરથી બેમુદત હડતાળ પર જશે. એર કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયન, એવિએશન ઈન્ડસ્ટ્રી એમ્પ્લોઈઝ ગિલ્ડ અને ઓલ ઈન્ડિયા સર્વિસ એન્જિનીયર્સ એસોસિએશનના સમાવેશવાળી જોઈન્ટ એક્શન કમિટી ઓફ એર ઈન્ડિયા યુનિયન્સે એર ઈન્ડિયાનાં જનરલ મેનેજર (ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ વિભાગ) મીનાક્ષી કશ્યપને પત્ર લખીને આ ચેતવણી આપી છે.
