નવી દિલ્હી: સરહદ મુદ્દે ચીન સાથે વિવાદ વધી ગયો છે ત્યારે ભારત દરેક મોરચે ડ્રેગનને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતીય હવાઈ દળે લદાખમાં લાંબા સમય માટે દળોને તૈનાત કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે. હવાઈદળના જવાનોને લદાખમાં શિયાળાની મોસમ દરમિયાન મોટા પ્રમાણમાં શસ્ત્રસરંજામ પહોંચાડવાના પડકારની સાથે હવાઈદળે લડાકુ વિમાનો અને હેલિકોપ્ટર્સને તૈનાત કરવાની પણ તૈયારી કરવી પડશે.
ડ્રેગનની ચાલ જોતાં સરહદીય વિવાદનો નજીકના સમયમાં નિકાલ આવે તેવી સંભાવના નથી, તેથી આ સૈન્ય તૈનાતી શિયાળાની મોસમ સુધી લંબાય એવી સંભાવના છે. એ વખતે ત્યાં તાપમાન શૂન્યથી માઈનસ 50 ડિગ્રી સુધી નીચે આવી જશે એટલે શિયાળામાં સૈનિકોને ત્યાં તૈનાત રાખવા ખૂબ મુશ્કેલ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે ગયા મે મહિનામાં ચીન સાથે સરહદ પર અથડામણ શરૂ થતાં જ હવાઈદળે ટેન્કો, સશસ્ત્ર વાહનો, દારૂગોળો અને સૈનિકોને લદાખમાં ખડકી દીધા હતા.
ભારતીય હવાઈદળે લદાખમાં ફાઈટર વિમાનો અને પરિવહન હેલિકોપ્ટર્સ પણ તૈનાત કર્યા છે. લેહ ઉપરાંત લદાખમાં થોઈસ એક મોટું એરબેસ છે. આ ઉપરાંત દૌલતબેગ ઓલ્ડી, ફૂક્ચે, ચૂશુલ ખાતે અદ્યતન લેન્ડિંગ મેદાન છે. જો હવાઈદળે શિયાળામાં પણ અહીં લડાકુ હેલિકોપ્ટર તૈનાત કરવા હશે તો, મોટા પાયે માળખાગત સુવિધાઓ ઉભી કરવી પડશે. જેમાં મશીનો સાથે જવાનોને તૈનાત કરવા માટે જરૂરી સુવિધાઓ આપવી પડશે.
ચાલુ વર્ષે, નિયંત્રણ રેખા (લાઈન ઓફ કંટ્રોલ) પર ચીન તરફથી મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત હોવાને કારણે ભારતીય સેનાએ પણ અહીં સૈન્યબળ પાંચ ગણું વધારી દીધું છે. આટલી મોટી સંખ્યામાં સૈનિકો માટે શિયાળાની ઋતુમાં જરૂરી વ્યવસ્થા કરવા માટે, વાયુસેના તેના પરિવહન વિમાનની સંપૂર્ણ તાકાત કામે લગાવવાની તૈયારી કરી રહ્યું છે. દર વર્ષે મે મહિનાથી સપ્ટેમ્બર દરમિયાન લદાખમાં સૈનિકો માટે લોજિસ્ટિક્સ, કેરોસીન અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ માર્ગ અને વિમાન દ્વારા પહોંચાડવામાં આવે છે.