નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મઝલિસ એ ઈત્તેહાદુલ મુસલમીન(AIMIM)ના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણ, જેમણે ગઈકાલે જ કર્ણાટકમાં આપેલા નિવેદનને લઈને વિવાધ છેડાયો છે, તે તેમના ભડકાઉ ભાષણોને જાણીતા છે. 53 વર્ષીય પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણ મુંબઈના બ્રાંદ્રા વિસ્તામાં મોટા થયા છે અને તેમના પિતા મુંબઈમાં નારકોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબ્સટાસેઝ એક્ટ (NDPS)ના જજ હતા.
વારિસ પઠાણ વ્યવસાયે વકીલ છે અને જાણીતા ફિલ્મ અભિનેતા સલમાન ખાનના વકીલ પણ છે. મુંબઈના આઝાદ મેદાનમાં થયેલી હિંસમાં ધરપકડ કરાયેલા મુસ્લિમ યુવકોનો કેસ પણ વારિસ જ લડી રહ્યો હતો. વારિસ પઠાણની રાજનીતિમાં એન્ટ્રી 2014માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વખતે થઈ. તેમણે પ્રથમ વખત બાઈકુલા વિસ્તારમાંથી ચૂંટણી લડી અને જીત પણ મેળવી.
આ ચૂંટણીમાં જીત મેળવ્યા પછીથી વારિસ પઠાણ ટીવી ન્યૂઝ ચેનલ્સ પર ડિબેટ કાર્યક્રમોમાં દેખાવા લાગ્યા. જેમાં તે તેમની આક્રામક શૈલી અને ભડકાઉ નિવેદનો માટે ઓળખાવા લાગ્યા. વારિસ પઠાણ સોશિયલ મીડિયા પર પણ ઘણો સક્રિય છે અને તેમને મોંઘી ગાડીઓનો શોખ છે. વારિસ પઠાણ પ્રથમ વખત વિવાદમાં ત્યારે આવ્યો જ્યારે તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં ભારત માતા કી જય બોલવાથી ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે વારિસ પઠાણને આખા બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
વારિસ પઠાણ હંમેશાથી ભાજપનો કટ્ટર વિરોધી રહ્યો છે. તેમણે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનેક વખત નિવેદનો આપ્યા છે. વારિસ પઠાણનો બાઈકુલાથી ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ સંતોષજનક નથી રહ્યો. અને 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમણે શિવસેનાની યામિની જાધવની સામે હારનો સામનો કરવો પડયો.
2014માં ધારાસભ્ય બન્યા પછી વારિસ પઠાણની સંપત્તિમાં અધધ વધારો નોંધાયો. 2014માં તેમની કુલ સંપત્તિ 3.6 કરોડ રૂપિયા હતી જે 2019માં વધીને 15.80 કરોડ થઈ ગઈ. 2019ની ચૂંટણી લડનારા તમામ નેતાઓની સંપત્તિમાં થયેલા વધારામાં આ સૌથી મોટો વધારો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં એઆઈએમઆઈએમ પાર્ટીએ તેમના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. મહત્વનું છે કે, વારિસ પઠાણે તાજેતરમાં જ કર્ણાટકના કલબુર્ગીમાં આયોજીત એક જનસભામાં કહ્યું હતું કે, 15 કરોડ મુસ્લિમ 100 કરોડ લોકો પર ભારે પડશે.