ટ્રમ્પનું સ્વાગત કરવા માટે ભારત ઉત્સુક છેઃ પીએમ મોદી

નવી દિલ્હી/અમદાવાદ – અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલથી ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે અને અમદાવાદ શહેરની પણ મુલાકાત લેવાના છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

ટ્રમ્પના આગમનને હવે થોડાક જ કલાકો બાકી રહ્યા છે ત્યારે મોદીએ ટ્વીટમાં લખ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે ભારત ઉત્સુક છે.

મોદીએ વધુમાં લખ્યું છે કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે ભારત ઉત્સુક છે. આ ગૌરવની વાત હશે કે આવતીકાલે તેઓ આપણી સાથે હશે. એમની મુલાકાતનો આરંભ અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ સાથે થશે.’

પ્રમુખ ટ્રમ્પની સાથે એમના પત્ની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ, એમના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનર પણ આવશે.

ટ્રમ્પ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમમાં 1,10,000 દર્શકોના બેસવાની ક્ષમતા છે. ટ્રમ્પ આ સ્ટેડિયમમાં નિર્ધારિત ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ગયા વર્ષે અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં એમના માનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને ટ્રમ્પે એમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી.

અમદાવાદમાં, ટ્રમ્પ અને એમના પત્ની સાબરમતી આશ્રમની મુલાકાતે જશે. એમની મુલાકાતને ધ્યાનમાં લઈને આશ્રમ ખાતે સુરક્ષા વ્યવસ્થાને ખાસ કડક બનાવવામાં આવી છે.

અમદાવાદમાંથી ટ્રમ્પ અને એમનો કાફલો ઉત્તર પ્રદેશના આગરા જશે અને ત્યાંથી રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હી જશે, જે એમના ભારતમાંના રોકાણનું અંતિમ સ્થળ હશે.

નવી દિલ્હીમાં એમના માનમાં વહેલો ભોજન સમારંભ યોજવામાં આવશે અને ત્યારબાદ તેઓ વોશિંગ્ટન જવા રવાના થશે.

આ છે, ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત મુલાકાતનો કાર્યક્રમઃ

24 ફેબ્રુઆરીઃ

સવારે 11.40 : અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટ્રમ્પ અને એમના પત્ની ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પનું સ્વાગત કરશે.

મોદી અને ટ્રમ્પ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી 22 કિ.મી.ની રોડ સફર કરશે. આ રોડશો ભવ્ય બની રહે એવી પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

12.15 : સાબરમતી આશ્રમની મુલાકાતે જશે.

બપોરે 1.05 : અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે જશે, સ્ટેડિયમનું ઉદઘાટન કરશે અને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં હાજરી આપશે

ટ્રમ્પ દંપતી અને વડા પ્રધાન મોદી ત્યારબાદ સાથે ભોજન લેશે.

બપોરે 3.30 : ઉત્તર પ્રદેશના આગરા જવા રવાના થશે.

સાંજે 4.45 : આગરા એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચશે.

સાંજે 5.15 : સુપ્રસિદ્ધ સ્મારક તાજમહેલની મુલાકાતે જશે

સાંજે 6.45 : નવી દિલ્હી માટે રવાના થશે.

સાંજે 7.30 : નવી દિલ્હી પહોંચશે. ત્યાં ફાઈવસ્ટાર આઈટીસી મૌર્ય હોટેલમાં રાતવાસો કરશે. ત્યાં એ ‘ગ્રેન્ડ પ્રેસિડેન્શિયલ સુઈટ’માં રહેશે.

25 ફેબ્રુઆરીઃ

સવારે 10 : રાષ્ટ્રપતિ ભવન ખાતે જશે.

સવારે 10.30 : રાજઘાટ જશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

સવારે 11 : હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સત્તાવાર મુલાકાત.

બપોરે 12.40 : હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષી સમજૂતીઓ પર સહીસિક્કા કરાશે

બપોરે 3.00 : અમેરિકન દૂતાવાસમાં સીઈઓ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ભારતસ્થિત ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે.

સાંજે 7.30 : રાષ્ટ્રપતિ ભવન ખાતે જઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે.

રાતે 8.00 : રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર લેશે.

રાતે 10 : વોશિંગ્ટન જવા રવાના થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]