મમતા બેનરજી અમિતાભના નિવાસે જઈ એમને રાખડી બાંધશે

મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીને એમની આગામી મુંબઈની મુલાકાત દરમિયાન જુહૂ વિસ્તારસ્થિત પોતાના નિવાસસ્થાને ચા માટેનું આમંત્રણ આપ્યું છે. બેનરજી વિરોધપક્ષોએ નવા રચેલા ‘ઈન્ડિયા’ની 31 ઓગસ્ટ અને સપ્ટેમ્બર 1 તારીખે મુંબઈમાં નિર્ધારિત બેઠકમાં હાજરી આપવા આવવાનાં છે. તેઓ 30 ઓગસ્ટના બુધવારે મુંબઈ પહોંચવાનાં છે. એ જ દિવસે રક્ષાબંધનનો તહેવાર છે.

અમિતાભ અને એમના પત્ની જયા બચ્ચન સાથે મમતા બેનરજીને સારાં સંબંધ છે. અમિતાભે ગયા વર્ષે કોલકાતામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે બેનરજીએ એવી માગણી કરી હતી કે ભારત સરકારે અમિતાભને ‘ભારત રત્ન’ ખિતાબ આપવો જોઈએ. જયા બચ્ચન, જેઓ સમાજવાદી પાર્ટીનાં સાંસદ છે, એમણે 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોલકાતા જઈને તૃણમુલ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો.