બાલાસોર – ભારતે ઓડિશા રાજ્યના સાગરકાંઠા નજીક અબ્દુલ કલામ ટાપુસ્થિત ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી આજે બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-5’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં આવેલો અબ્દુલ કલામ ટાપુ અગાઉ વ્હીલર આયલેન્ડ તરીકે જાણીતો હતો.
લોન્ચ પેડ ખાતે આજે સવારે લગભગ 9.50 વાગ્યે બેલિસ્ટિક મિસાઈલનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ મિસાઈલનો પ્રયાસો આ છઠ્ઠી વાર સફળ રહ્યો છે. છેલ્લે આ વર્ષની 18 જાન્યુઆરીએ એનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મિસાઈલ અણુબોમ્બને લઈ જવા માટે સક્ષમ છે. તે 5000 કિ.મી. દૂરના અંતરે આવેલા ટાર્ગેટને ફૂંકી મારવા સક્ષમ છે. આમ, આ મિસાઈલ સમગ્ર ચીનને આવરી લે એવી છે.
અગ્નિ સિરીઝની અન્ય મિસાઈલોની સરખામણીમાં ‘અગ્નિ-5’ ખૂબ આધુનિક છે. એમાં નેવિગેશન અને ગાઈડન્સની નવીનતમ ટેક્નોલોજી છે, એવું ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના એક અધિકારીએ કહ્યું છે.