નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દરમિયાનગીરી કર્યા બાદ ઈશાન ભારતના પડોશી રાજ્યો – આસામ અને મિઝોરમના મુખ્ય પ્રધાનો એમના રાજ્યો વચ્ચે સર્જાયેલી સરહદ સંબંધિત તંગદિલીને ઘટાડવા સહમત થયા છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્વા સરમા અને મિઝોરમના મુખ્ય પ્રધાન ઝોરમથાંગાએ નક્કી કર્યું છે કે તેઓ વાટાઘાટ દ્વારા હાલના સીમા વિવાદનો સુમેળપૂર્વક ઉકેલ લાવશે.
ઝોરમથાંગાએ સોશિયલ મિડિયા પર જણાવ્યું છે કે આસામ સાથેનો સીમા વિવાદ વાટાઘાટ દ્વારા સુમેળપૂર્વક ઉકેલવામાં આવશે. એમણે અમિત શાહ તથા સરમા સાથે ટેલિફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે અમારી તે વાતચીત અનુસાર, અમે મિઝોરમ-આસામ વચ્ચેનો વિવાદ અર્થપૂર્ણ વાટાઘાટ દ્વારા સુમેળભર્યો ઉકેલ લાવવા સહમત થયા છીએ. બાદમાં સરમાએ પણ કહ્યું કે અમારો ધ્યેય ઈશાન ભારતનો જુસ્સો જીવંત રાખવાનો છે. આસામ-મિઝોરમ સરહદ પર જે કંઈ બની ગયું તે બંને રાજ્યોની જનતાને જરાય સ્વીકાર્ય નથી. ઝોરમથાંગાએ વચન આપ્યું છે કે તેમનો ક્વોરન્ટીન સમયગાળો પૂરો થયા બાદ એ મને ફોન કરશે. સીમા વિવાદો વાટાઘાટ દ્વારા જ ઉકેલી શકાય છે.