દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે AAP: કેજરીવાલ

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ કોંગ્રેસ માટે આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. વિપક્ષના ઇન્ડિયા એલાયન્સની બીજી પાર્ટીઓ હવે કોંગ્રેસને એની વ્યૂહરચના પર વિચાર કરવા માટે કહી રહી છે. એની સીધી અસર આવનારી ચૂંટણીઓમાં સીટ વહેંચણી પર પડશે.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી દિલ્લીમાં એકલી ચૂંટણી લડશે. આપનાં રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કડે કહ્યું હતું કે અમે દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડીશું.એક બાજુ આત્મવિશ્વાસવાળી કોંગ્રેસ છે અને બીજી બાજુ અહંકારી ભાજપ છે.અમે દિલ્હીમાં છેલ્લાં 10 વર્ષોમાં જે કર્યું છે, એને આધારે ચૂંટણી લડીશું.

મને લાગે છે કે જો હરિયાણામાં ગઠબંધન થાત તો પરિણામો કંઈક અલગ હોત અને એનાથી કોંગ્રેસને વધુ લાભ થાત. અમે પ્રયાસ પણ કર્યા, પણ અતિ આત્મવિશ્વાસથી ભરેલી કોંગ્રેસને એ યોગ્ય ના લાગ્યું, એમ તેમણે કહ્યું હતું.

આપના સંયોજક કેજરીવાલે કહ્યું હતું કે ચૂંટણી પરિણામોનો સૌથી મોટો સબક એ છે કે ચૂંટણીમાં ક્યારેય વધુપડતો આત્મવિશ્વાસ ના થવું જોઈએ. કોઈ પણ ચૂંટણીને હલકામાં ના લેવી જોઈએ. દરેક ચૂંટણી અને દરેક સીટ મુશ્કેલ હોય છે, એમ તેમણે કહ્યું હતું.

હરિયાણામાં સીટ વહેંચણીમાં મતભેદને કારણે આપ કોંગ્રેસની સાથે ગઠબંધન કરવામાં નિષ્ફળ રહી હતી. આપે કોંગ્રેસ પાસે નવ સીટો માગી હતી, જેને કોંગ્રેસે ફગાવી દીધી હતી.આપનું રાજ્યમાં એક પણ સીટ પર ખાતું નહોતું ખૂલ્યું.