નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર આમિર ખાન અને અન્ય ચાર લોકોને વર્ષ 2018માં રિલીઝ થયેલી ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ સંબંધે નોટિસ જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જૌનપુર જિલ્લા ન્યાયાધીશે ફરિયાદી હંસરાજ ચૌધરી દ્વારા દાખલ કરેલી અરજીની સમીક્ષા કરીને આમિર ખાન સહિત ચાર જણને નોટિસ જારી કરી છે. આગામી સુનાવણી આઠ એપ્રિલે કરવામાં આવશે.
ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં મલ્લાહ સમુદાયને ખોટી રીતે સંબોધવા બદલ આ નોટિસ મોકલવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે મલ્લાહ સમુદાયને ફિરંગી અને ઠગ રૂપે સંબોધવામાં આવ્યા હતા. આ ફિલ્મમાં આમિર ખાનના પાત્રનું નામ ફિરંગી મલ્લાહ રાખવામાં આવ્યું હતું.
વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ આઠ નવેમ્બર, 2018એ પ્રીમિયર શો થયો હતો, જેમાં સ્ટાર કાસ્ટ અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ, ફાતિમા સના શેખ અને મોહમ્મદ જિશાનની મુખ્ય ભૂમિકાઓમાં હતા. આ ફિલ્મના નિર્માતા આદિત્ ચોપડા હતા. આ ફિલ્મ સામે આરોપ હતા કે ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં મલ્લાહ જાતિને ફિરંગી અને ઠગ જેવા શબ્દથી સંબોધિત કરીને અપમાનિત કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી અને દર્શકોએ આ ફિલ્મ માટે પ્રતિકૂળ સમીક્ષા કરી હતી.