નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું કેમ્પેન સોંગ લોન્ચ કર્યુંછે. અરવિંદ કેજરીવાલે આને ટ્વીટર પર શેર કર્યું છે. “લગે રહો કેજરીવાલ” ગીતને વિશાલ ડડલાનીએ તૈયાર કર્યું છે. આમ આદમી પાર્ટીના સદસ્ય ડડલાનીએ ગત વર્ષે પણ આમ આદમી પાર્ટી માટે એક ગીતને કમ્પોઝ કર્યું હતું.
2 મીનિટ 53 સેકન્ડના આ ગીતમાં વિજળી, પાણી, વગેરે સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે બસમાં મફત યાત્રાને પણ દર્શાવવામાં આવી છે. કેજરીવાલને દિલ્હીનો દીકરો ગણાવતા કહેવામાં આવ્યું છે કે તેઓ એક સામાન્યથી પણ સામાન્ય માણસ છે. એપણ કહેવામાં આવ્યું છે કે તેઓ દિલ્હીના લોકોના જીવનને સુખમય બનાવવા માટેની જીદ લઈને બેઠા છે.
ગીતને કેજરીવાલ અને સામાન્ય લોકો પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. પાર્ટીના અન્ય નેતાઓને આમાં જગ્યા મળી નથી. માત્ર એક ફ્રેમમાં ડેપ્યુટી સીએમ મનીષ સીસોદિયા દેખાય છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે દાવેદારી કરી રહ્યા છે. તેમની સામે ભાજપ અને કોંગ્રેસે કોઈને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યો નથી.
દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામો આવશે. અહીંયા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રીકોણીય જંગ છે. ગત ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાની 70 સીટો પૈકી 67 પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી.