હરિયાણામાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ?

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ભાજપથી માંડીને કોંગ્રેસ, JJP અને INLD સુધી બધા રાજકીય પક્ષ આક્રમકતાની સાથે ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. અમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં માટે એલાન કર્યું છે કે પક્ષ રાજ્યની બધી વિધાનસભામાં બધી બેઠકો પર ઉમેદવાર ઉતારશે. અત્યાર સુધી રાજ્યમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસની વચ્ચે થયો હતો, પણ આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ થવાની શક્યતા છે.

રાજ્યમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચંડીગઢમાં આપ પાર્ટીની પત્રકાર પરિષદમાં પંજાબના CM ભગવંત માને કહ્યું હતું કે આ વખતે હરિયાણામાં પાર્ટી બધી વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે.આમ આદમી પાર્ટી એક દાયકાની અંદર રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. અમે બે રાજ્યો –દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહ્યા છે. અમે કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ ગઠબંધન નહીં કરીએ. હરિયાણા એક એવું રાજ્ય છે, જેણે બધા પક્ષોને તક આપી છે, પરંતુ કોઈ પણ અહીંના લોકોની આશા પર ખરું નથી ઊતર્યું.

CM કેજરીવાલ હરિયાણાના છે. આવામાં અમારી બહુબધી અપેક્ષાઓ છે. પંજાબ અને હરિયાણાની વચ્ચે બહુબધી સમાનતાઓ છે. અડધું હરિયાણા પંજાબ બોલે છે. પક્ષ 20 જુલાઈએ હરિયાણા માટે કેજરીવાલની ગેરન્ટી જારી કરશે. આ પ્રસંગે કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર રહેશે, એમ તેમણે કહ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં આપ અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધ થયું હતું, પણ હવે વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં પણ સીધી ટક્કર થશે.