નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે ચુકાદો આપ્યો છે. એ ચુકાદા મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિઓમાં સબ-કેટેગરી બનાવી શકાય છે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બંધારણીય બેન્ચે 6-1ના મતે સંભળાવ્યો હતો. એની સુનાવણી CJI ડીવાય ચંદ્રચૂડ કરી રહ્યા હતા. તેમની સાથે છ જજોએ એના પર સહમતી દર્શાવી હતી, જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી એનાથી સહમત નહોતાં. કોર્ટે આ ચુકાદો આપતાં 2004માં આપવામાં આવેલા પાંચ જજોના ચુકાદાને ફેરવીતોળ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે ઉપવર્ગીકરણનો આધાર રાજ્યના યોગ્ય આંકડા પર આધારિત હોવો જોઈએ. આ મામલે રાજ્ય પોતાની મરજીથી કામ નહીં કરી શકે. જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું હતું કે વાસ્તવિકતાથી ઇનકાર ના કરી શકાય SC-STની અંદર એવી કેટેગરીઓ છે, જેમને સદીઓથી ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યો છે.
કોર્ટે કહ્યું હતું કે SC-STના સભ્ય પ્રણાલીગત ભેદભાવને કારણે સફળતા મેળવવામાં સક્ષમ નથી હોતા. આર્ટિકલ 14 જાતિના ઉપ વર્ગીકરણને મંજૂરી આપે છે. કોર્ટે એ તપાસવું જોઈએ કે શું વર્ગ સમરૂપ છે અને કોઈ ઉદ્દેશ માટે એકીકૃત નથી કરવામાં આવેલા વર્ગને આગળ વર્ગીકૃત કરી શકાય છે.
કોર્ટની બંધારણીય બેન્ચે 2004માં કહ્યું હતું કે માત્ર રાષ્ટ્રપતિ જ એ અધિસૂચિત કરી શકે છે કે બંધારણના આર્ટિકલ 341 અનુસાર કયો સમાજ અનામતનો લાભ પ્રાપ્ત કરી શકે છે. જોકે રાજ્યોને એનાથી છેડછાડ કરવાનો અધિકાર નથી.