બેંગલુરુઃ ઓનલાઇન ગેમની લત કેટલી મોંઘી પડી છે, એનો અંદાજ શહેરના એક સોફ્ટવેર એન્જિયરની સ્થિતિથી લગાવી શકાય છે. આ સોફ્ટવેર એન્જિનિયરે ઓનલાઇન ગેમના ચક્કરમાં રૂ. 70 લાખ ગુમાવી દીધા છે. બલકે, તેને પત્ની અને બાળકોએ પણ છોડી દીધો હતો.આ મામલો શહેરના રમણનગર વિસ્તારનો છે. જોકે હવે સ્થિતિ ફરી સામાન્ય થઈ છે અને જિંદગી પાટે ચઢી છે.
રમણ નગરમાં રહેતા એક સોફ્ટવેર એન્જિનિયરને ઓનલાઇન રમી રમવાની લત લાગી ગઈ હતી. એમાં તેણે રૂ. 70 લાખ ગુમાવ્યા હતા. તેની પત્ની અને બે બાળકો તેને છોડીને ચાલ્યા ગયા હતા. હવે સાત મહિનાની સારવાર પછી તે પરિવારમાં પાછો ફર્યો છે.
એક મિડિયા કંપનીને મહિલાઓ માટે બનેલી હેલ્પલાઇનની એક અધિકારી રાની શેટ્ટી ઘટનાની માહિતી આપી હતી. રાનીના જણાવ્યા મુજબ સોફ્ટવેર એન્જિનિયરની પત્નીને ગયા વર્ષે ઓક્ટોબરમાં એ જાણીને આંચકો લાગ્યો હતો કે તેના પતિએ ઓનલાઇન ગેમ્બલિંગમાં પોતાની બચતના રૂ. 70 લાખ ગુમાવી દીધા છે. ત્યાર બાદ તે તેની માતા પાસે ચાલી ગઈ હતી.
એ પછી તેણે કાયદાકીય રીતે આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો અને કેઆર પુરમ પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં તેની પતિની ઓનલાઇન રમીની લત અને એને લીધે થયેલા નુકસાનની ફરિયાદ કરી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનને ઓક્ટોબરના અંતમાં સોફ્ટવેર એન્જિનિયરને બોલાવ્યો હતો અને એ પછી એને કાઉન્સેલિંગ માટે મોકલ્યો હતો. કાઉન્સેલિંગના સાત મહિના પછી હવે તે પૂરી રીતે બદલાઈ ગયો છે. તેને નિમહંસ પણ મોકલવામાં આવ્યો હતો, જ્યાં ટેક ડી-એડિક્શન થેરેપી ટેક્નિકથી જોડાયેલી લતની સારવાર કરવામાં આવી હતી.