કોરોનાના 9283 નવા કેસ, 437નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 9283 નવા કેસ સામે આવ્યા છે, જે ગઈ કાલની તુલનાએ 22.5 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 437 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,45,35,763 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,66,584 લોકોનાં મોત થયાં છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.80 ટકા છે, જે છેલ્લા 51 દિવસોથી બે ટકાથી નીચે છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,39,57,698 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,949 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,11,481એ પહોંચી છે, જે છેલ્લા 536 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.33 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.35 ટકા થયો છે.

ત્રીજી લહેરની સંભાવના નથીઃ ગુલેરિયા

AIIMSના દિલ્હીના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે દેશમાં કોરોના રોગચાળાની બે લહેરોની તુલનાએ ત્રીજી લહેર એટલી તીવ્રતાવાળી આવવાની સંભાવના નથી. હાલના સમયમાં સંક્રમણના કેસો વધારો નથી થતો, એ દર્શાવે છે કે રસી હવે વાઇરસથી સુરક્ષા આપી રહી છે. જેથી હાલ ત્રીજા બુસ્ટર ડોઝની જરૂર નથી. સમયની સાથે રોગચાળો સામાન્ય બીમારીનું રૂપ લેશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,57,697 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 62.57 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 118.44 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,18,44,23,573 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 76,58,203 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.