નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીનો પ્રકોપ હજી પણ દેશભરમાં યથાવત્ છે. કેન્દ્ર સરકાર દ્વારા દર્શાવેલા આંકડા અનુસાર દેશમાં 13 એપ્રિલે સવારે 8 વાગ્યા સુધીના સમયમાં આ રોગને કારણે 308 જણના મરણ થયા છે.
કુલ કેસોની સંખ્યા 9 હજારને પાર ગઈ છે. અત્યાર સુધીમાં 9,152 કેસો નોંધાયા છે અને 856 જણ સાજા થઈ ચૂક્યા છે.
દેશના 26 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો કોરોનાનાં ચેપનો શિકાર બન્યા છે.
ગઈ કાલે રવિવારે દેશભરમાં કોરોનાનાં નવા 753 કેસો નોંધાયા હતા. આમાંના 221 કેસ મહારાષ્ટ્રમાં, 106 તામિલનાડુમાં, 104 રાજસ્થાનમાં અને 33 મધ્ય પ્રદેશમાં નોંધાયા હતા.
ગુજરાતમાં નવા 48 દર્દીઓ નોંધાયા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી પ્રાપ્ત થયા છે.
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 22 જણનાં મોત
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1982 જણને કોરોના વાઈરસનો ચેપ લાગી ચૂક્યો છે. આમાંના 113 જણ મુંબઈના છે. 7 જણ મુંબઈની પડોશના મીરા-ભાયંદર વિસ્તારમાં, નવી મુંબઈ, થાણે અને વસઈ-વિરારમાં 2-2 નવા દર્દીને કોરોનના થયાનો અહેવાલ છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના બીમારીને કારણે 22 જણના મોત થયા. આમાં, 16 જણ મુંબઈના હતા, 3 પુણે, બે જણ નવી મુંબઈના અને એક જણ સોલાપુરનો હતો.
મૃતકોમાં 13 પુરુષો અને 9 મહિલાનો સમાવેશ થાય છે. એમાંના 6 જણની વય 60થી વધારે હતી જ્યારે 15 મૃતકોની વય 40-60ની વચ્ચે હતી. એક જણની ઉંમર 40 કરતાં ઓછી હતી. 22 દર્દીઓમાંના 20 જણને ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અસ્થમા અને હૃદયની બીમારી હતી. આ સાથે મહારાષ્ટ્રમાં મરણાંક વધીને 149 થયો છે.
દેશમાં કોરોના રસીનું કામ ચાલી રહ્યું છે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ, દેશભરમાં 40 જેટલી કોરોના વાઈરસ પ્રતિબંધક રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
પરંતુ સંસ્થાનું કહેવું છે કે, હાલ સમસ્યા એ છે કે દેશમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની દવાઓ ઉપલબ્ધ નથી.
કોરોનાના ચેપગ્રસ્તોમાંના 20 ટકા કેસોને જ આઈસીયૂમાં રાખવાની જરૂર પડી છે. બાકીના 80 ટકા કેસોમાં ચેપ મામુલી હોવાનું માલુમ પડ્યું છે.
રવિવારે આશરે બે લાખ જેટલા તબીબી નમૂનાની કોરોના માટે ચકાસણી કરવામાં આવી હતી.
રવિવાર, 12 એપ્રિલે રાતે 9 વાગ્યા સુધીમાં દેશભરમાં કુલ 1 લાખ 95 હજાર 748 સેમ્પલ્સની ચકાસણી કરવામાં આવી ચૂકી હતી.
દેશભરમાં તબીબી વ્યવસાયના આશરે 90 જણને કોરોના પોઝિટીવ થયાનું માલૂમ પડ્યું છે. આમાં ડોક્ટરો, નર્સ અને પેરા-મેડિકલ સ્ટાફના સભ્યોનો સમાવેશ થાય છે.