શિમલામાં મંદિર પર ભેખડો ધસી પડતાં 9નાં મરણ

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં મુસળધાર વરસાદે હાહાકાર મચાવી દીધો છે. પાટનગર શહેર શિમલામાં આજે સવારે લગભગ સાત વાગ્યાના સુમારે બનેલી એક દુઃખદ ઘટનામાં, એક મંદિર પર ભેખડ ધસી પડતાં મંદિર ધ્વસ્ત થઈ ગયું હતું અને તેને કારણે 9 જણનાં મરણ નિપજ્યા છે. આ ઘટના સમર હિલ વિસ્તારમાં બની હતી. ભેખડો શંકર ભગવાનના એક મંદિર પર પડી હતી. દુર્ઘટનાસ્થળની તસવીરો અને વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

અહેવાલો અનુસાર, ભેખડો ધસી પડી હતી એ વખતે મંદિરમાં 25-30 જણ હાજર હતાં. પાંચ જણને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ હેઠળ બીજાં અનેક જણ ફસાયાં હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

રાજ્યના મુખ્ય પ્રધાન સુખવિન્દર સુખુએ આ દુર્ઘટના અંગે દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે.