નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર આજે અચોક્કસ મુદત માટે સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. સંસદના બંને ગૃહ – લોકસભા અને રાજ્યસભામાં સત્રને નિર્ધારિત રીતે આવતીકાલે ગુરુવારે સમાપ્ત કરવાનું હતું, પરંતુ તેને એક દિવસ વહેલું, આજે સમાપ્ત કરી દેવાયું છે. આ સત્ર 29 નવેમ્બરથી શરૂ કરાયું હતું.
કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું કે બંને ગૃહમાં 24 દિવસો દરમિયાન કુલ 18 બેઠક યોજાઈ હતી. એમાં કુલ 20 ખરડા પાસ કરી દેવામાં આવ્યા છે. લોકસભામાં 11 અને રાજ્યસભામાં 9 ખરડા પાસ કરવામાં આવ્યા છે. લોકસભામાં આ સત્રમાં 12 નવા ખરડા રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે રાજ્યસભામાં એક ખરડો રજૂ કરાયો હતો. લોકસભામાં કામકાજની દ્રષ્ટિએ ઉત્પાદક્તા 82 ટકા રહી હતી જ્યારે રાજ્યસભામાં 47 ટકા રહી.