પટનાઃ બિહાર અને ઉત્તર પ્રદેશની સરહદે બક્સરની પાસે ગંગા નદીમાં અનેક મૃતદેહો મળવા બાબતે બિહારના પ્રધાન સંજયકુમાર ઝાએ કેટલાક ટ્વીટ્સ કર્યા છે. તેમણે યુપી વહીવટી તંત્રને આ મામલે સતર્ક રહેવાની સલાહ આપી છે. જળસંસાધનપ્રધાન ઝાએ કહ્યું છે કે બિહાર સરકાર દ્વારા બક્સર જિલ્લાના ચૌસા ગામની પાસે ગંગા નદીમાં તરતી લાશોને કાઢવામાં આવી છે. જોકે આ મૃતદેહો યુપીથી બિહારમાં તણાઈને આવ્યા છે. અમારા ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ પછી કહ્યું છે કે આ લાશો 4-5 દિવસ જૂની છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે જિલ્લામાં નદીમાંથી 71 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. યુપી અને બિહારની સરહદે રાણીઘાટ પાસે ગંગામા જાળી મૂકવામાં આવી છે, જેથી આવી કોઈ ઘટના ફરીથી ના બને, એમ તેમણે માહિતી આપી હતી.
ઝાએ વધુમાં કહ્યું હતું કે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આ કરુણાંતિકાથી અને ગંગા નદીને થઈ રહેલા નુકસાનથી દુખી છે. તેઓ હંમેશાં નદીની શુદ્ધતા અને અવિરત પ્રવાહના હિમાયતી રહ્યા છે. તેમણે વહીવટી તંત્રને પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂક્યો છે, જેથી આવી ઘટનાઓ ફરી ના બને અને રાજ્યના લોકોને તેમના સ્વજનોના મૃતદેહો ગંગામાં ન પધરાવવાની અપીલ કરી છે, એમ તેમણે કહ્યું હતું.
નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)એ પણ નિર્દેશ આપ્યા હતા કે ગંગા નદીમાં મૃતદેહોને ફેંકવાનું તત્કાળ બંધ કરવામાં આવે.