આગરા – દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને નાગરિકતા સુધારિત કાયદા (CAA)ના વિરોધી શરજીલ ઈમામની ધરપકડ કરવામાં આવી છે. કથિતપણે દેશવિરોધી ભડકાઉ ભાષણ કરવા બદલ દેશદ્રોહના આરોપસર દિલ્હી પોલીસે શરજીલની ગઈ કાલે બિહારના જેહાનાબાદમાં ધરપકડ કરી હતી અને એને દિલ્હી લાવવા આજે નીકળી ગયા હતા.
દરમિયાન, ઉત્તર પ્રદેશમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના 70 જેટલા વિદ્યાર્થીઓએ માગણી કરી છે કે શરજીલ ઈમામને તાત્કાલિક છોડી મૂકવામાં આવે. આ વિદ્યાર્થીઓ ગઈ કાલે યુનિવર્સિટીની કેન્ટીનમાં ભેગા થયા હતા અને ઈમામને છોડી મૂકવાની માગણી કરી હતી.
શરજીલની ધરપકડના વિરોધમાં AMUના વિદ્યાર્થીઓએ મોરચો કાઢ્યો હતો અને એલાન કર્યું છે કે જો શરજીલને જલદી છોડી મૂકવામાં નહીં આવે તો કંઈક એવું થશે જેની કોઈએ કલ્પના પણ કરી નહીં હોય.
ગઈ 16 જાન્યુઆરીએ AMU કેમ્પસમાં શરજીલે રાષ્ટ્રવિરોધી ભાષણ કર્યું હોવાનો એની પર આરોપ છે અને અલીગઢ પોલીસે એની સામે ફરિયાદ નોંધી હતી.
IITના ભૂતપૂર્વ વિદ્યાર્થી-સહાયક શિક્ષક શરજીલને ઉત્તર પ્રદેશ, આસામ, મણીપુર, અરૂણાચલ પ્રદેશ અને દિલ્હી સહિત અનેક રાજ્યોની પોલીસ પકડવા માગતી હતી. આખરે દિલ્હી પોલીસે એને બિહારના જેહાનાબાદમાંથી પકડ્યો હતો અને જેહાનાબાદની કોર્ટ પાસેથી 48-કલાકના ટ્રાન્ઝિટ રીમાન્ડ પર શરજીલને તાબામાં લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, શરજીલના પિતા ભૂતકાળમાં બિહારમાં જનતા દળ (યુનાઈટેડ)ની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ એમને સમર્થન આપ્યું હતું.
શરજીલે ગઈ કાલે તેના ટ્વિટર પર આમ લખ્યું હતું: ‘મેં 28 જાન્યુઆરી, 2020ના રોજ બપોરે 3 વાગ્યે દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું અને ઈચ્છુક પણ છું. મને કાયદાની પ્રક્રિયામાં પૂરો વિશ્વાસ છે. મારી સલામતી હવે દિલ્હી પોલીસના હાથમાં છે. શાંતિ જાળવીએ.’
AMUના પ્રવક્તા શફી કિડવાઈએ કહ્યું છે કે યુનિવર્સિટીનું વહીવટીતંત્ર કેમ્પસમાં કોઈ પણ પ્રકારની દેશવિરોધી પ્રવૃત્તિને ટેકો આપતું નથી અને તેને વખોડી કાઢે છે અને આયોજક સામે કડક પગલું ભરશે.
