આરજી કર મેડિકલ કોલેજના 50 સિનિયર ડોક્ટરોએ આપ્યાં રાજીનામાં

કોલકાતાઃ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના આશરે 50 વરિષ્ઠ ડોક્ટરોએ રાજીનામાં આપી દીધાં છે. આ બધા ડોક્ટરોએ જુનિયર ડોક્ટરોએ આમરણ ઉપવાસ પ્રત્યે ટેકો અને એકજુટતા બતાવતાં પદ પરથી રાજીનામાં આપી દીધાં છે. સામૂહિક રીતે રાજીનામાં આપવાનો નિર્ણય મેડિકલ કોલેજના વિવિધ વિભાગોના પ્રમુખોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

એક સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલના બધા 50 વરિષ્ઠ ડોક્ટરોએ રાજીનામાં પર હસ્તાક્ષર કર્યાં છે. એ જુનિયર ડોક્ટરો પ્રત્યે અમારી એકજુટતા વ્યક્ત કરવા માટે છે. જે પીડિતાના ઇન્સાફની લડાઈ લડી રહ્યા છે. NRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરો પણ રાજીનામાં આપે એવી શક્યતા છે.રાજ્યના ડોક્ટરોના સંયુક્ત મંચે મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યા મામલે ન્યાયની માગ કરી હતી. એ સાથે ભ્રષ્ટ આરોગ્ય સેવા પ્રણાલીને ખતમ કરવાની માગ કરી હતી. જુનિયર ડોક્ટરો તેમની માગને લઈને ચાર દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છે.

આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બે દિવસ પહેલાં થ્રેટ કલ્ચર અને મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી કમિટીએ મોટું પગલું ભર્યું હતું. આ કમિટીએ 10 ડોક્ટરો સહિત 59 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. એમાં ડોક્ટર, ઇટર્ન્સ, વિદ્યાર્થીઓ અને હાઉસ સ્ટાફ સામેલ છે. આ ડોક્ટરો પર આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાં રેગિંગનો મામલો પણ સામેલ છે.

વરિષ્ઠ ડોક્ટરોનાં સામૂહિક રાજીનામાં સરકાર માટે મોટો આંચકો સમાન છે. તેમણે તેમનાં નિવેદનમાં કહ્યું હતું કે અમે અમારા સહયોગીઓ સાથે ઊભા છીએ અને તેમને સહયોગ આપવા આ પગલું ભર્યું છે.