ભારતમાં ત્રણ કલાક સુધી દેખાયું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ

મુંબઈ – મંગળવાર (16 જુલાઈ)ની મધરાત વીતી ગયા બાદ શરૂ થયેલું અને આજે બુધવાર, 17 જુલાઈની વહેલી સવાર સુધી ચાલેલું ચંદ્રગ્રહણ ભારતમાં નવી મુંબઈ, પુણે, દિલ્હી સહિત અનેક સ્થળે જોવા મળ્યું હતું. ઘણા લોકોએ આ ગ્રહણ જોવાનો લ્હાવો મેળવ્યો હતો.

આ ખંડગ્રાસ કે આંશિક ચંદ્રગ્રહણ વિશેષ એટલા માટે હતું કે તે 149 વર્ષો બાદ પહેલી વાર ગુરુપૂર્ણિમાના દિવસે જ થયું હતું.

ચંદ્રગ્રહણને કારણે ગઈ કાલે સાંજથી જ ભારતમાં અનેક મંદિરોનાં દ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા અને ચંદ્રગ્રહણ પૂરું થયા બાદ આજે વહેલી સવારે ફરી ખોલવામાં આવ્યા હતા.

આ ગ્રહણ જર્મની, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં પણ જોવા મળ્યું હતું.

ભારતમાં આ ગ્રહણ ત્રણેક કલાક સુધી જોવા મળ્યું હતું. 17 જુલાઈએ મધરાત બાદ 1.31 વાગ્યે ગ્રહણ શરૂ થયું હતું. વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યે ચંદ્રનો અડધો ભાગ કાળો થઈ ગયેલો દેખાયો હતો. આ સ્થિતિ 4.29 વાગ્યા સુધી રહી હતી. 3.01 વાગ્યે ચંદ્રનો 65 ટકા ભાગ પૃથ્વીની છાયામાં આવી ગયો હતો.

હવે પછીનું ચંદ્રગ્રહણ ભારતમાં 2021ની 26 મેએ દેખાશે જે ખગ્રાસ હશે.

વારાણસીમાં વહેલી સવારે ચંદ્રગ્રહણ છૂટ્યા બાદ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું હતું અને પૂજા કરી હતી


વારાણસીમાં વહેલી સવારે ચંદ્રગ્રહણ છૂટ્યા બાદ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું હતું અને પૂજા કરી હતી