2G કૌભાંડ: એ રાજા, કનીમોઝી સહિત તમામ આરોપી નિર્દોષ

નવી દિલ્હી- UPA-2ના શાશનકાળ દરમિયાન થયેલા સૌથી મોટા સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ 2G અંગે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની સ્પેશિયલ CBI કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. તેમાં મુખ્ય આરોપી અને પૂર્વ ટેલિકોમપ્રધાન એ.રાજા અને DMK સાંસદ કનિમોઝી સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

કોર્ટે તેનાં ચુકાદામાં એ. રાજા અને કનીમોઝીને નિર્દોષ જાહેર કરતાં તેના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને વેલમાં ઘૂસી જઈને સૂત્રોચ્ચાર કર્યા હતાં. કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, અમારી સરકાર પર લાગાવવામાં આવેલો કૌભાંડનો આરોપ ખોટો સાબિત થયો છે. તો આરોપી કનીમોઝીએ કહ્યું કે, ‘હું એ બધાં જ લોકોનો આભાર માનું છું જેણે મને સહકાર આપ્યો’.

ઉલ્લેખનીય છે કે, 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ એ દેશના સૌથી મોટા કૌભાંડોમાનું એક છે. UPA-2ના કાર્યકાળ દરમિયાન 2જી સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવી. જેમાં સામે આવેલા કૌભાંડોએ મનમોહન સરકારને હચમચાવી દીધી હતી. આપને જણાવી દઈએ કે, વર્ષ 2011માં પહેલીવાર સ્પેક્ટ્રમ કૌભાંડ સામે આવ્યા બાદ કોર્ટે તેમાં 17 આરોપીઓને દોષી માનીને ફક્ત 6 મહિનાની સજા સંભળાવી હતી.