ગંભીર વાતઃ ભારતમાં એક જ અઠવાડિયામાં સ્વાઈન ફ્લૂનાં અઢી હજાર કેસ નોંધાયા

નવી દિલ્હી – સીઝનલ ઈન્ફ્લુએન્ઝા (H1N1), જે સ્વાઈન ફ્લૂ તરીકે પણ ઓળખાય છે, બીમારીનાં 2,500થી વધુ કેસો ભારતમાં માત્ર એક જ અઠવાડિયામાં નોંધાયા હતા.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એજન્સીના જણાવ્યા મુજબ, આ વર્ષની 24 ફેબ્રુઆરી અને 3 માર્ચ વચ્ચેના દિવસોમાં ભારતમાં સ્વાઈન ફ્લૂના 2,500થી વધુ કેસો નોંધાયા હતા.

3 માર્ચ સુધીમાં દેશમાં આ બીમારીને કારણે 530 મૃત્યુ નોંધાયા છે.

આ વર્ષમાં પહેલા બે મહિનામાં સ્વાઈન ફ્લૂના જેટલા કેસ નોંધાયા છે તે આંકડો 2018ના સમગ્ર વર્ષમાં નોંધાયેલા કેસો કરતાંય ઘણો વધુ છે. 2018ના આખા વર્ષમાં સ્વાઈન ફ્લૂના 14,992 કેસ નોંધાયા હતા.

ગયા વર્ષે સ્વાઈન ફ્લૂથી 1,103 જણનાં મરણ નિપજ્યા હતા.

આ વર્ષે પહેલા બે મહિનામાં કેસોનો આંકડો આટલો વધુ આવ્યો એનું કારણ વધુ લોકોએ આ બીમારી માટે ટેસ્ટ કરાવ્યું એ હોઈ શકે છે.

દિલ્હીની ઈન્સ્ટિટ્યૂટ ઓફ લિવર એન્ડ બિલીઅરી સાયન્સીસમાં વાઈરોલોજી વિભાગનાં ડો. એકતા ગુપ્તાનું કહેવું છે કે H1N1 એકમાત્ર એવી ફ્લૂ બીમારી છે જેની ટેસ્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. લોકો હવે જાગ્રત થવા માંડ્યા છે અને આ બીમારીનાં લક્ષણ જણાય તો તરત પોતાની નજીકની હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવે છે. એને કારણે આ વખતે સ્વાઈન ફ્લૂનાં કેસોમાં વધારો થયો છે, પણ મરણની સંખ્યા ઘટી છે.

અત્યાર સુધીમાં દેશમાં સ્વાઈન ફ્લૂથી જે 530 જણનાં મરણ થયા છે એ માત્ર બે જ રાજ્યમાં થયા છે – ગુજરાત અને રાજસ્થાન. આ બંને રાજ્યમાં જ સ્વાઈન ફ્લૂનાં કેસની સંખ્યા સૌથી વધુ છે.

રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 4,317 અને ગુજરાતમાં 3,408 કેસ નોંધાયા છે. દિલ્હીમાં 3,134 કેસનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.