ચંડીગઢઃ 1991 અને 1993 વર્ષો દરમિયાન હરિયાણાના ઝજ્જરમાં જમીન ખરીદનાર કશ્મીરી પંડિત પરિવારો માટે 30 વર્ષ લાંબી રાહનો આજે અંત આવી ગયો. હરિયાણાની સરકારે એમને તે પ્લોટના માલિકી હક આપતા દસ્તાવેજો સુપરત કરી દીધા છે. રાજ્યના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે આજે ખાસ યોજાયેલા સમારોહમાં દસ્તાવેજો સુપરત કર્યા હતા. બાદમાં તેમણે એક નિવેદનમાં કહ્યું છે કે ‘વચનપૂર્તી’ યોજના અંતર્ગત 182 કશ્મીરી પંડિત પરિવારોને બહાદુરગઢમાં સેક્ટર-2માં એમણે ખરીદેલી જમીનના પ્લોટ સુપરત કરવામાં આવ્યા છે.
ત્રણ દાયકા પહેલાં કશ્મીર ખીણપ્રદેશમાં પરિસ્થિતિ વણસી જતાં કશ્મીરી હિન્દુ પંડિતોને જુદા જુદા રાજ્યોમાં હિજરત કરી જવાની ફરજ પડી હતી. એમાંના 209 કશ્મીરી પંડિત પરિવારોએ હરિયાણાના બહાદુરગઢના સેક્ટર-2માં જમીન ખરીદી હતી, પરંતુ સરકાર અત્યાર સુધી એમને કબજો આપી શકી નહોતી.