નવી દિલ્હીઃ કોંગ્રેસ, લેફ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોના 13 નેતાઓએ કેન્દ્ર સરકાર પાસે બધી હોસ્પિટલોને ઓક્સિજનનો નિયમિતરૂપે સપ્લાય કરવા અને કોરોના કેસોમાં થયેલા ચિંતાજનક વધારા સામે દેશવાસીઓને મફત રસીકરણ કરવા અરજ કરી છે. વળી, દેશમાં ઝડપથી લોકોને રસીકરણ કરવા પર ભાર મૂક્યો છે, જેથી કોરોના સામેની લડાઈ વધારે મજબૂતીથી લડી શકાય.
કોંગ્રેસના નેતા જયરામે ટ્વીટ કરેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પાસે માગ કરીએ છીએ કે દેશમાં જલદીમાં જલદી મફત રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવે. દેશમાં મફત રસીકરણ માટે 35,000 કરોડના બજેટની ફાળવણી થાય. આ સંયુક્ત નિવેદનમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી ગેવગૌડા, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન, ડીએમકે નેતા એમકે સ્ટાલિન, બીએસપીનાં વડાં માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસીપીના પ્રમુખ શરદ પવાર, સીપીઆઇના મહા સચિવ ડી. રાજા અને સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી તરફથી આ સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અમે કેન્દ્ર સરકાર પાસે દેશમાં બધી હોસ્પિટલો અને હેલ્થ સેન્ટર્સને વિના રુકાવટ ઓક્સિજન સપ્લાય પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરીએ છીએ. આ સાથે આ નિવેદનમાં દેશભરમાં તત્કાળ મફત રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા માગે કરવામાં આવે છે અને એના માટે બજેટ ફાળવવા સલાહ આપવામાં આવી છે.