12 ચિત્તાઓનું 18 ફેબ્રુઆરીએ ભારતમાં થશે આગમન

ગ્વાલિયરઃ અમુક મહિનાઓના વિલંબ બાદ 12 ચિત્તાઓ આખરે 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકામાંથી મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આવી પહોંચશે. આ જ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આઠ ચિત્તાઓ છે, જેમને ગયા વર્ષે નામિબિયામાંથી લાવવામાં આવ્યા હતા. દુનિયામાં ચિત્તા પ્રાણી-જાતિને લુપ્ત થતી રોકવા અને તેને જીવંત રાખવા માટે ભારત સરકારે ઘડેલી એક યોજના અંતર્ગત ચિત્તાઓને આફ્રિકાના દેશોમાંથી લાવવામાં આવ્યા છે.

12 ચિત્તાઓમાં સાત નર અને પાંચ માદા છે. ભારતીય હવાઈ દળના એક ટ્રાન્સપોર્ટ વિમાન દ્વારા આ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાના ગોટેન્ગના ટેમ્બો ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ભારત લાવવામાં આવશે. ચિત્તાઓને પહેલાં ગ્વાલિયર હવાઈ દળ મથકે લઈ જવામાં આવશે. ત્યાંથી થોડાક સમય બાદ એમને હવાઈ દળના હેલિકોપ્ટરો દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવશે, જે મથકથી 165 કિ.મી. દૂર આવેલું છે. કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને થોડોક વખત ક્વોરન્ટાઈન અવસ્થામાં રખાશે.

ચિત્તાઓનાં સ્થળાંતર માટે ભારત અને દક્ષિણ આફ્રિકાની સરકારો વચ્ચે એક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ કરારને આખરી ઓપ આપવામાં જ વિલંબ થયો હતો. આમ તો દક્ષિણ આફ્રિકાએ આ ચિત્તા ભારતને દાનમાં આપ્યા છે, પણ ભારતે ચિત્તાઓના સ્થળાંતર પૂર્વે દક્ષિણ આફ્રિકાને પ્રત્યેક ચિત્તા દીઠ 3,000 યૂએસ ડોલર ચૂકવવા પડ્યા છે.

ચિત્તો ધરતી પરનું સૌથી વધુ ઝડપ ધરાવતું પ્રાણી છે. ચિત્તાની ઝડપ ૧૧૨ થી ૧૨૦ કિમી પ્રતિ કલાક હોય છે. આ ઝડપે તે લગભગ ૪૬૦ મીટર (૧૫૦૦ ફીટ) જેટલું અંતર કાપી શકે છે. તે ફક્ત ૩ સેકન્ડમાં ૦ થી ૧૧૦ કિમી પ્રતિ કલાકનો વેગ પકડી શકે છે,જે વિશ્વની કોઇપણ સુપરકાર કરતાં વધુ છે.