કશ્મીરમાં 12 ત્રાસવાદીઓનો ખાતમો; ભારતીય સેનાએ મેળવી મોટી સફળતા

શ્રીનગર – જમ્મુ અને કશ્મીર રાજ્યના દક્ષિણ ભાગમાં જુદા જુદા સ્થળોએ થયેલી સશસ્ત્ર અથડામણોમાં ભારતીય સુરક્ષા જવાનોએ 12 આતંકવાદીઓનો ખાત્મો કરી નાખ્યો અને એક ત્રાસવાદીને જીવતો પકડી લીધો છે. આ 12 ત્રાસવાદીઓને ઠાર કરીને સુરક્ષા દળોએ લેફ્ટેનન્ટ ઉમર ફયાઝની હત્યાનો બદલો લઈ લીધો છે. લેફ્ટેનન્ટ ફયાઝને ત્રાસવાદીઓએ ગયા વર્ષના મે મહિનામાં અપહરણ કર્યું હતું અને બાદમાં એમની હત્યા કરી હતી. આજે ઠાર મરાયેલા ત્રાસવાદીઓમાં લેફ્ટેનન્ટ ફયાઝના હત્યારાનો પણ સમાવેશ થાય છે.

ભારતીય સેનાની આ મોટી સફળતા ગણાય છે. દક્ષિણ કશ્મીરમાં ત્રણ સ્થળે થયેલી અથડામણોની શરૂઆત શનિવારે મોડી રાતથી થઈ હતી.

આ ત્રાસવાદીઓ પાકિસ્તાન તરફથી ટેકો ધરાવતા હતા. ઠાર થયેલાઓમાં કેટલાક આતંકવાદી સંગઠનોના ટોચના કમાન્ડરો હતા.

દક્ષિણ કશ્મીરના શોપિયાં અને અનંતનાગ જિલ્લાઓમાં ત્રાસવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.

રાજ્યના પોલીસ વડા એસ.પી. વૈદે ટ્વીટ કરીને જણાવ્યું છે કે એક ત્રાસવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો છે.

શોપિયાં જિલ્લાના દ્રગાડ ગામમાં થયેલી અથડામણના સ્થળેથી સાત ત્રાસવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. ત્રાસવાદીઓ વિસ્તારમાં સંતાયા હોવાની બાતમી મળતાં સુરક્ષા જવાનોએ આજે સવારે વિસ્તારને ઘેરી લીધો હતો. સંતાયેલા ત્રાસવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. એને પગલે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

શોપિયાં જિલ્લાના જ કાચદોરા ગામમાં પણ એક એન્કાઉન્ટર થયું હતું. ત્યાં ચાર ત્રાસવાદી ઠાર મરાયા છે.

અનંતનાગ જિલ્લાના પેઠ ગામમાં રઉફ બશીર ખંડે નામનો એક ત્રાસવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે જ્યારે એના સાગરિત ઈમરાન રાશીદને પકડી લેવામાં આવ્યો છે.

બંને સ્થળે કુલ 14 ત્રાસવાદીઓને ઝપટમાં લેવામાં આવ્યા છે.

આ ઓપરેશન ભારતીય લશ્કર, જમ્મુ અને કશ્મીર પોલીસ તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ સાથે મળીને હાથ ધર્યું હતું. કમનસીબે, આ અથડામણોમાં ભારતીય સુરક્ષા દળોના પક્ષે પણ ખુવારી થઈ છે. સેનાએ ત્રણ જવાનને ગુમાવ્યા ઉપરાંત બે નાગરિકનું પણ મૃત્યું છે. આમ, આ અથડામણોએ કુલ 16 જણનો ભોગ લીધો છે.