નવી દિલ્હીઃ વર્ષ 2005માં ટીવી પર લાંચ લેતા 11 સાંસદોને દેશે જોયા હતા. જેથી તેમને સંસદમાંથી સસ્પેન્ડ કરવામા આવ્યા હતા અને સંસદે પ્રસ્તાવ પાસ કરીને તેમનું સભ્યપદ તત્કાળ અસરથી ખતમ કરી દેવામાં આવ્યું હતું. આ શરમજનક ઘટનાની ચોતરફ નિંદા થઈ હતી. ત્યારે વડા પ્રધાન મન મોહન સિંહ અને લોકસભામાં સ્પીકર સોમનાથ ચેટરજી હતી.
સંસદમાં સભ્યપદ ગુમાવનારા સાંસદોમાં કોંગ્રેસ, ભાજપ, BSP અને RJDના સભ્ય હતા. સંસદીય કાર્ય અને માહિતી અને પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસ મુન્શીએ કહ્યું હતું કે સ્ટિંગ ઓપરેશનની પૃષ્ઠભૂમિમાં મિડિયા પર કોઈ નિયંત્રણો લાદવામાં નહીં આવે. RJD પ્રમુખ લાલુ પ્રસાદે પણ કહ્યું હતું કે લાંચ લેનારા પર આકરી કાર્યવાહી જરૂરી છે. ભાજપના નેતા એલ. કે. અડવાણીએ કહ્યું હતું કે લાંચ પ્રકરણ ગંભીર ચિંતાનો વિષય છે.
23 ડિસેમ્બર, 2005એ જે સાંસદોના સભ્યપદ ખતમ કરવામા આવ્યાં હતાં, તેમાં કોંગ્રેસના રામ સેવક સિંહ, RJD મનોજકુમાર, BSPના રાજારામ પાલ, નરેન્દ્ર કુમાર કુશવાહા અને લાલ ચંદ્ર તથા ભાજપના વાઇ. જી. મહાજન, પ્રદીપ ગાંધી, સુરેશ ચંદેલ, છત્રપાલ સિંહ લોઢા, ચંદ્ર પ્રતાપ સિંહ અને અન્ના સાહેબ પાટિલ હતા. આ સાંસદોએ સવાલ પૂછવા માટે રૂ. 35,000થી માંડીને રૂ. 1,10,000ની લાંચ લીધી હતી. સંસદમાં 11 સાંસદ આ કામ માટે તૈયાર થઈ ગયા હતા. છુપાવેલા કેમેરાથી રૂપિયા લેવાની લેવડદેવડને રેકોર્ડ કરી લેવામાં આવી હતી.