નવી દિલ્હીઃ ભારતમાં એવી ઘણી જાણીતી મહિલા વૈજ્ઞાનિક છે કે જેમને છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના યોગદાન માટે એ પ્રકારની ઓળખ મળી નથી કે જેની તેઓ હકદાર હતી. પરંતુ તાજેતરમાં જ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક ટ્વીટ કરીને જાણકારી આપી છે કે વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓ માટે યોગદાનને સન્માન આપવા માટે પીઠોની સ્થાપના કરવામાં આવશે. દેશભરની સંસ્થાઓમાં 11 પીઠોની સ્થાપના કરવામાં આવશે. સ્મૃતિ ઈરાનીએ કરેલા ટ્વીટમાં કહ્યું કે, આ નિર્ણય રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે 11 પીઠોનું ગઠન ન માત્ર મહિલા વૈજ્ઞાનિકોના વિજ્ઞાન ક્ષેત્રમાં યોગદાનને સન્માન આપવા માટે કરવામાં આવશે પરંતુ આનાથી મહિલાઓ અને યુવતીઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં પણ પોતાની ભૂમિકા નિભાવવા માટે પ્રેરણા મળશે.
જે 11 મહિલા વૈજ્ઞાનિકોના નામ પર પીઠોનું ગઠન કરવામાં આવશે તેમાં કાયટોજેનેટિસિસ્ટ અર્ચના શર્મા, વનસ્પતિ વૈજ્ઞાનિક જાનકી અમ્માલ, ઓર્ગેનિક વૈજ્ઞાનિક દર્શન રંગનાથન, રસાયણ વૈજ્ઞાનિક આસિમા, ડોક્ટર કાદમ્બની ગાંગુલી, માનવ વૈજ્ઞાનિક ઈરાવતી કાર્વે, હવામાન વૈજ્ઞાનિક અન્ના મણિ, એન્જીનિયર રાજેશ્વરી ચટર્જી, ગણિતજ્ઞ રમન પરિમલા, ભૌતિક વૈજ્ઞાનિક વિભા ચોધરી તેમજ બાયો મેડિકલ સંશોધક કમલ રાનાદિવેનો સમાવેશ થાય છે.