ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછાં 10 બાળકોના મોત થયાં હતાં અને પાંચ બાળકોની સ્થિતિ નાજુક છે. આ દુર્ઘટનામાં 16 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. શોર્ટ સર્કિટને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. CM યોગીએ મૃતકોના પરિવારજનોને રૂ. પાંચ-પાંચ લાખ અને ગંભીર રીતે ઘાયલોને રૂ. 50,000ની મદદ જાહેરાત કરી છે.
આ હોસ્પિટલમાં આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો અને દર્દીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હતા, પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને 37 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અકસ્માત સમયે NICUમાં કુલ 54 બાળકો દાખલ કરાયેલાં હતાં.
झांसी में हुई घटना दु:खद है,
मेरी संवेदना उन सभी परिजनों के प्रति है, जिन्होंने अपने मासूम बच्चों को खोया है… pic.twitter.com/HWja22nGWx
— Yogi Adityanath (@myogiadityanath) November 16, 2024
ઝાંસીના જિલ્લાઅધિકારી અવિનાશ કુમારે જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. CM યોગી આદિત્યનાથે આ ઘટનાને દુ:ખદ ગણાવી હતી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમ જ X પર પોસ્ટ કરી લખ્યું છે કે ઝાંસી જિલ્લાની મેડિકલ કોલેજના NICUમાં અકસ્માતમાં બાળકોનું મોત અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. હું ભગવાન શ્રીરામને મૃત આત્માઓને શાંતિ અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.” મુખ્યમંત્રીએ 12 કલાકની અંદર ડિવિઝનલ કમિશનર અને પોલીસ નાયબ મહાનિરીક્ષક (DIG) પાસેથી વિગતવાર અહેવાલ માગ્યો છે.