નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સરકારની મનમાની કાર્યવાહી પર સ્ટે મૂકતાં કહ્યું હતું કે મનઘડંત રીતે ઘર તોડી પાડવું એ કાયદાનું ઉલ્લંઘન છે. રાજ્યમાં કાયદાનું રાજ હોવું જોઈએ. કોઈ પણ સંપત્તિ મનમાની રીતે ના લઈ શકાય. જો કોઈ દોષી પણ હોય તો એ કાયદાકીય રીતે ઘર તોડી શકાય છે. આરોપી અને દોષી હોવું એ ઘર તોડવાનો આધાર નથી, એમ કોર્ટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટે જમિયત ઉલેમા એ હિન્દ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચુકાદો આપતાં આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ ગવઇએ કહ્યું હતું કે પોતાનું ઘર લોકો માટે એક સપનું હોય છે, તે તૂટવું ના જોઈએ. ગુનાખોરીની સજારૂપે લોકોનું ઘર તોડી પાડવું એ ક્યાંનો ન્યાય? લોકતંત્ર સિદ્ધાંતો અંગે પણ વિચારવા જોઈએ. કોઈનું ઘર એટલા માટે તોડી પાડવું કે તે દોષિત છે તે યોગ્ય નથી. આ ચુકાદાથી સૌથી મોટો ઝટકો ભાજપના દિગ્ગજ નેતા અને CM યોગી આદિત્યનાથને લાગ્યો છે.
લોકતંત્રમાં નાગરિકોના અધિકારોની રક્ષા થવી જ જોઈએ. સરકારની સત્તાનો દુરુપયોગ ન થવો જોઇએ. કાયદાને ધ્યાનમાં રાખીને જ સરકારે કામગીરી કરવી જોઈએ. અમે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ આ ચુકાદો સંભળાવી રહ્યા છીએ. અમે નિષ્ણાતોનાં સૂચનોને પણ ધ્યાનમાં લીધાં છે. કોઈ પણ પ્રકારનો કેસ ચલાવ્યા વિના આ કેવી રીતે સજા કહેવાય. સરકાર આવું ના કરી શકે. કાયદો વ્યવસ્થા જાળવવી એ રાજ્યની જવાબદારી છે. આરોપી સામે પૂર્વાગ્રહને ધ્યાનમાં રાખી કાર્યવાહી ન થવી જોઈએ.
કોર્ટે કહ્યું કે બુલડોઝર એક્શન ભેદભાવપૂર્ણ ન હોય શકે. ખોટી રીતે ઘર તોડવા પર વળતર મળવું જોઈએ. જવાબદાર અધિકારીઓને છોડવામાં નહીં આવે. અમે તમામ પક્ષને સાંભળ્યા બાદ આદેશ કર્યો છે. અમે નિષ્ણાતોની સલાહ પર પણ વિચાર કર્યો છે.
આરોપી એક હોય તો સજા આખા પરિવારને કેમ આપવી? કોઈને પણ કાર્યવાહી કરતાં પહેલાં એનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. ગેરકાયદે બાંધકામ હોય તો પણ કાર્યવાહી કરવા માટે સમય આપવો જોઈએ. નિયમ મુજબ નોટિસ આપવી જોઈએ અને પછી કોઈ આવા એક્શન લેવાય. જેમના પણ મકાનો ખોટી રીતે તોડી પાડવામાં આવ્યા છે તેમને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે, એમ કોર્ટે કહ્યું હતું.