આપ મંત્રીના ભત્રીજાના ઘર પર દરોડાઃ રૂ. 290 કરોડના બેંક કૌભાંડનો મામલો

નવી દિલ્હીઃ EDએ કથિત મની લોન્ડરિંગ કેસમાં લુધિયાણા જિલ્લાના સાહનેવાલમાં મંત્રી હરદીપ સિંહ મુંડિયાના ભત્રીજા ગુરપ્રીત સિંહ સૈનીના ઘરે દરોડા પાડ્યા છે. સાહનેવાલથી AAPના ધારાસભ્ય હરદીપ મુંડિયા, ભગવંત માનની પંજાબ સરકારમાં મહેસૂલ મંત્રી છે. EDના એક સૂત્રએ જણાવ્યું હતું કે મંત્રીના સંબંધિત વ્યક્તિના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.

EDના એક સૂત્રએ જણાવ્યું હતું કે EDએ M/s તિરુપતિ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા કેસમાં દિલ્હી, મોહાલી, ચંદીગઢ, પંચકુલા અને લુધિયાણામાં 26 સ્થળોએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ સર્ચ અને સર્વેની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીમાં M/s તિરુપતિ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, M/s રેમિગેટ બિલ્ડસ્ટેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, M/s MB ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ, M/s મેરા બાબા રિયાલિટી એસોસિએટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને M/s મેરા બાબા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર, ડિરેક્ટર અને તેમની સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે.

290 કરોડ રૂપિયાના બેંક ફ્રોડનો મામલો

EDના સૂત્રે જણાવ્યું હતું કે આ ઉપરાંત ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (GMADA) અને પંજાબ સરકારના હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ વિભાગની કચેરીમાં PMLA, 2002ની કલમ 16 હેઠળ તપાસ કરવામાં આવી રહી છે, જેથી GMADA પાસેથી આરોપી કંપનીઓ સંબંધિત પુરાવા એકત્રિત કરી શકાય.

તિરુપતિ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નવી દિલ્હીના પશ્ચિમ વિહારમાં એક પ્રોજેક્ટ, રેડિસન બ્લુ હોટેલ અને રેમિગેટ બિલ્ડસ્ટેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં GMADAની કાયદેસર બાકી રકમની ગેરકાયદે માફી અને રદ કરાયેલા પ્લોટના પુનઃફાળવણી સાથે સંબંધિત 290 કરોડ રૂપિયાના બેંક ફ્રોડમાં સામેલ છે. મેસર્સ રેમિગેટ ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડને કાયદેસર બાકી રકમની માફી માટે 57 કરોડ રૂપિયાનો આર્થિક લાભ આપવામાં આવ્યો હતો.

EDના એક સૂત્રએ જણાવ્યું હતું કે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે એક ખાનગી કન્સલ્ટન્સી ફર્મે GMADAના અધિકારીઓ સાથે મળીને જમીન ખરીદીમાં ગેરરીતિઓ કરી હતી. તેના દ્વારા આપવામાં આવેલા વળતરની ચુકવણીની પણ તપાસ ચાલી રહી છે. કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુંડિયાના સંબંધિત ગુરપ્રીત સિંહ સૈનીના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે.” પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે AAP સરકાર પર પોતાનો હુમલો તેજ કર્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે ભગવંત માન સરકારની કોઈ પણ પ્રકારની ટીકા કરવા બદલ લોકોને ‘ધમકીઓ અને હેરાનગતિ’નો સામનો કરવો પડે છે. પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.