દુનિયાભરથી હજારો લોકો માઉન્ટ એવરેસ્ટ ચડવાનું સપનું સેવતા હોય છે. પરંતુ તેને હકિકતમાં કેટલાક લોકો જ પૂર્ણ કરી શકે છે. કારણ, માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે જેટલી માનસિક અને શારિરિક શક્તિ મજબુત હોવી જોઈએ તેટલી જ નાણકિય શક્તિની પણ જરૂર પડે છે. શું તમને ખબર છે કે એવરેસ્ટ ચડવા માટે શું શું કરવું પડે? 1 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ ( National Mountain Climbing Day) ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ પર જાણીએ માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટેની સમગ્ર પ્રક્રિયા વિશે.
માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, જેની ઊંચાઈ 8848.6 મીટર છે. આ પર્વત હિમાલયનો એક ભાગ છે. વૈજ્ઞાનિકો માને છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે 2 સેમી વધી રહી છે. આ પર્વત સૌપ્રથમ એડમ હિલેરી અને તેનઝિંગ નોર્ગે દ્વારા ચડવામાં આવ્યો હતો. ત્યારથી લગભગ 9,000 લોકો આ પર્વત પર ચઢી ચૂક્યા છે. જો તમે પણ માઉન્ટ એવરેસ્ટ ચડવા માંગતા હોય તો પહેલા આ સમગ્ર પ્રકિયા વિશે જાણી લો.
પર્વતારોહણ પહેલાં આ તૈયારીઓ કરો
સૌ પ્રથમ, દૃઢ નિશ્ચય કરો. શરીરને પર્વતારોહણ માટે તૈયાર કરો. સહનશક્તિ અને સુગમતા વધારવા માટે કસરત કરો અને સાથે સાથે આહાર પણ એટલું જ ધ્યાન આપો. માનસિક સ્થિતિને મજબૂત બનાવવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરવો જોઈએ. યોગ્ય માહિતી મેળવવી પણ અનિવાર્ય છે. તેમજ ચઢાઈ માટે યોગ્ય વાતાવરણની રાહ જોવી પડે છે. ધીરજ અને ધૈર્ય રાખવું પણ જરૂરી છે.
યોગ્ય સમય
સમાન્ય રીતે લોકો મે મહિનામાં પર્વત પર ચડવાનું નક્કી કરતા હોય છે. સામાન્ય રીતે 15 મે પછી. ચોમાસા પહેલા જવું વધુ હિતાવહ હોય છે. વરસાદના સમયમાં પર્વતારોહકો એવરેસ્ટ પ્રદેશમાં જવાનું ટાળે છે. કારણ કે આ સમયે તે સ્થળ લપસણું અને ખતરનાક બની જાય છે. જ્યાં સુધી હવામાન યોગ્ય ન હોય, ત્યાં સુધી એવરેસ્ટ પર ચડવું શક્ય નથી.
પરવાનગી મેળવવી
માઉન્ટ એવરેસ્ટ નેપાળ અને તિબેટ સરહદ વચ્ચે આવેલું છે. પર્વત ચડવા માટે નેપાલ સરકાની પરવાનગી મેળવવી પડે છે. પહેલાની સરખામણીમાં હવે મંજૂરી મેળવવા થોડી અઘરી છે. નેપાળ સરકારે આ જ વર્ષે એક નવો કાનૂન બનાવ્યો છે. નવા કાનૂન પ્રમાણે એ જ લોકોને પર્વત ચડવાની પરવાનગી મળે જેમણે ઓછામાં ઓછા 7000 મીટરનો કોઈ પર્વત સફળતાપૂર્વક ચઢ્યો હોય. પર્વતારોહકે 7000 મીટરથી ઉપર ચઢાણનું પ્રમાણપત્ર આપવું અનિવાર્ય છે. આ સાથે જ પર્વતારોહકે ચઢાણના એક મહિનાની અંદર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તબીબી સંસ્થા દ્વારા જારી કરાયેલ તબીબી ફિટનેસ પ્રમાણપત્ર પણ પ્રદાન કરવું જરૂરી છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ધરાવતાં લોકોને પરવાનગી મળી શકતી નથી. આ ઉપરાંત પર્વત પર મૃતદેહોને દૂર કરવા માટે વીમા યોજનાની જોગવાઈ પણ છે.
જરૂરી વસ્તુઓ
એવરેસ્ટ પર ચડવા માટે ઓક્સિજન સિલિન્ડર, તંબુ, પર્વતારોહણના બૂટ, દોરડા અને ગરમ કપડાં જેવા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો જરૂરી છે. આ તમામ વસ્તુઓ ખર્ચાળ હોય છે. ફક્ત ઓક્સિજન સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર 500 થી 1,000 ડોલર હોય છે અને એક ચઢાણ માટે 5-6 સિલિન્ડરની જરૂર પડી શકે છે.
એવરેસ્ટની યાત્રા ક્યાંથી શરૂ થાય?
અહીં પહોંચવા માટે ઘણા રસ્તાઓ છે, પરંતુ મોટાભાગના પર્વતારોહકો બે રસ્તા પસંદ કરે છે. નેપાળમાં આવેલો દક્ષિણ માર્ગ અને તિબેટનો ઉત્તર માર્ગ. મોટાભાગની ટ્રેકિંગ કંપનીઓ નેપાળમાં સ્થિત છે. કારણ કે તિબેટમાં ચઢાણ ખૂબ મોંઘું છે. દક્ષિણ માર્ગ પર ચઢાણ કરતા લોકો નેપાળની રાજધાની કાઠમંડુથી થઈ લુકલા ગામ પહોંચે છે અને ત્યાંથી પ્રવાસીઓ બેઝ કેમ્પ માટેની યાત્રા માટે ચાલવાનું શરૂ કરે છે.
કેટલો સમય લાગે છે?
માઉન્ટ એવરેસ્ટ પર ચડવામાં લગભગ બે મહિના લાગે છે. શેરપા ગાઇડ પણ પર્વતારોહકો સાથે હોય છે. આ લોકો લગભગ બે અઠવાડિયા પગપાળા એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી જાય છે, જે લગભગ 17 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. બેઝ કેમ્પ સુધી ટ્રેકિંગ કરવામાં લગભગ 7-12 દિવસ લાગે છે. એવરેસ્ટ પર ચડવું એક લાંબી પ્રક્રિયા છે અને વાતાવરણને અનુકૂલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે પર્વતારોહકો બેઝ કેમ્પ અને તેની ઉપરના કેમ્પમાં 2-3 અઠવાડિયા વિતાવે છે. આખરી ચઢાણમાં લગભગ 8 થી 18 કલાક લાગી શકે છે. શિખરથી બેઝ કેમ્પ સુધી પાછા ફરવામાં 2-3 દિવસ લાગી શકે છે. તેમજ પર્વતારોહકની શક્તિ પર નિર્ભર કરે છે.
કેટલો ખર્ચ?
માત્ર જુસ્સાથી કંઈ નીવડતું નથી. પર્વત ચડવા માટે આર્થિક રીતે મજબુત હોવું પણ જરૂરી છે. માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવા પર્વતારોહકે 25 લાખ રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. મોંઘવારી પ્રમાણે આ આંકડો વધી શકે છે. નેપાળ અથવા તિબેટ સરકાર તરફથી ચઢાણ પરમિટ, બોટલબંધ ઓક્સિજન અને ઊંચાઈવાળા ગિયર માટે 9,04,568 રૂપિયા સુધીનો ટેક્સ ચૂકવવો પડી શકે છે. આમાં તંબુ, સ્લીપિંગ બેગ અને બૂટનો સમાવેશ થાય છે.
પૈસા ઉપરાંત માઉન્ટ એવરેસ્ટ ચઢવામાં ઘણા જોખમો છે. હવામાનની અનિશ્ચિતતા, હિમપ્રપાત, ઓક્સિજનનો અભાવ અને ઊંચાઈ સંબંધિત બીમારીઓ (જેમ કે તીવ્ર પર્વતીય બીમારી) જીવલેણ બની શકે છે. દર વર્ષે સેંકડો લોકો આ શિખર પર ચઢવાનો પ્રયાસ કરે છે પરંતુ ફક્ત 50-60 ટકા લોકો જ સફળ થાય છે. 1922થી આ ચઢાણમાં 300 થી વધુ પર્વતારોહકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
