મુરલી વિજયે લીધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે ટ્વિટર પર એક પત્ર શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી. તેણે પત્રમાં પોતાના પ્રશંસકો અને ટીમ ઈન્ડિયાનો પણ આભાર માન્યો છે. વિજયને ભારત તરફથી ODI ફોર્મેટમાં રમવાની વધુ તક મળી ન હતી. પરંતુ તેણે ટેસ્ટ ફોર્મેટની 61 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 12 સદી પણ ફટકારી હતી. વિજયના નામે સ્પેશિયલ ટેસ્ટ રેકોર્ડ નોંધાયેલ છે. તેણે ચેતેશ્વર પુજારા સાથે મળીને ભારત તરફથી રમતા ટેસ્ટમાં બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરી-માર્ચ 2013માં ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. આ શ્રેણીની બીજી મેચ 2 માર્ચથી હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવીને 237 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા માટે મુરલી વિજય અને વીરેન્દ્ર સેહવાગ ઓપનિંગ કરવા આવ્યા હતા. સેહવાગ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. સેહવાગના આઉટ થયા બાદ ચેતેશ્વર પુજારા બેટિંગ કરવા આવ્યો હતો. પુજારા અને વિજય વચ્ચે ઐતિહાસિક ભાગીદારી થઈ હતી. બંનેએ 370 રન બનાવ્યા હતા. ભારત માટે બીજી વિકેટ માટે આ સૌથી મોટી ટેસ્ટ ભાગીદારી હતી.

વિજય હૈદરાબાદ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 361 બોલનો સામનો કરીને 167 રન બનાવીને આઉટ થયો હતો. તેણે કુલ 473 મિનિટ સુધી બેટિંગ કરી. જો તેને કલાકમાં ફેરવવામાં આવે તો તે 8 કલાકની આસપાસ થશે. બીજી તરફ પુજારાએ બેવડી સદી ફટકારી હતી. તેણે 204 રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં કુલ 503 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં 131 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે એક ઇનિંગ્સ અને 135 રનથી મેચ જીતી લીધી હતી. આ મેચમાં પુજારા અને વિજયની ઇનિંગ્સ યાદગાર રહી હતી.