ઝાયરાની છેડતી કરનાર આરોપી 13 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી ઝાયરા વસીમે એક ફ્લાઈટમાં તેની છેડતી કરવાનો જેની પર આરોપ મૂક્યો છે તે વિકાસ સચદેવને 13 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો અહીંની એક કોર્ટે આજે આદેશ આપ્યો છે.

દંગલ ફિલ્મમાં કરેલી ભૂમિકા બદલ રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર 17 વર્ષીય ઝાયરાએ રવિવારે સવારે કરેલા આરોપને પગલે આખા દેશમાં સનસનાટી મચી જવા પામી છે.

39 વર્ષીય સચદેવની રવિવારે રાતે જ ધરપકડ કરવામાં આવી હતી. આજે પોલીસે એને ગોરેગામ (ઈસ્ટ)ની દિંડોશી સેશન્સ કોર્ટમાં હાજર કર્યો હતો. તેની પર બાળકોની જાતીય સતામણી વિરોધી કાયદા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

અનેક નેતાઓ, મહિલાઓનાં અધિકારો માટે લડત ચલાવતી સંસ્થાઓ તથા સામાજિક કાર્યકરો તરફથી તીવ્ર પ્રત્યાઘાતો આવ્યાં છે.

દરમિયાન, આરોપી વિકાસ સચદેવની પત્ની દિવ્યાએ એક નિવેદનમાં તેનાં પતિને નિર્દોષ ગણાવ્યા છે. એણે કહ્યું છે કે ઝાયરાની છેડતી કરવાનો વિકાસનો કોઈ ઈરાદો નહોતો.

દિવ્યાએ પત્રકારોને જણાવ્યું હતું કે અમારા પરિવારમાં એક જણનું મૃત્યુ થયું હતું અને વિકાસ ત્યાં હાજરી આપવા ગયા હતા. એને લીધે એ 24 કલાકથી સૂઈ શક્યા નહોતા. દિલ્હીથી મુંબઈ આવતી વખતે એમને એર વિસ્તારાની ફ્લાઈટમાં સૂઈ જવું હતું એટલે એમણે ક્રૂ મેમ્બર્સને પણ કહી દીધું હતું કે એમને ખલેલ ન પહોંચાડે. એમણે એમનો પગ આગલી સીટના આર્મ રેસ્ટ (હાથા) પર રાખ્યો હતો, પણ એમનો ઈરાદો ઝાયરાને પરેશાન કરવાનો નહોતો.