‘દંગલ’ અભિનેત્રી ઝાયરા વસીમની વિમાનમાં પુરુષ પ્રવાસીએ છેડતી કરી

મુંબઈ – હિન્દી ફિલ્મ ‘દંગલ’ અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ની યુવા અભિનેત્રી ઝાયરા વસીમે આક્ષેપ કર્યો છે કે પોતે જ્યારે ગઈ કાલે રાતે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટમાં આવતી હતી ત્યારે એક પુરુષે એની શારીરિક છેડતી કરી હતી.

વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટમાં પોતાની સાથે આવો બનાવ બન્યો હતો એવું 17-વર્ષીય ઝાયરાએ કહ્યું છે.

એણે એવો પણ આક્ષેપ કર્યો છે કે પોતે એ વિશે ફરિયાદ કરી હતી, તે છતાં વિમાનના ક્રૂ સભ્યોમાંથી કોઈ પણ એની મદદે આવ્યું નહોતું.

ઝાયરાએ પોતાનાં નિવેદનવાળો વિડિયો એનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો છે અને મિસ વર્લ્ડ-2017 માનુષી છિલ્લરે એને શેર કર્યો છે.

ઝાયરાના આક્ષેપે વિમાનમાં મહિલાપ્રવાસીઓની સુરક્ષાના મામલે વ્યવસ્થાનો પર્દાફાશ કર્યો છે.

કશ્મીરનિવાસી ઝાયરાએ કહ્યું છે કે એની સાથે આવી ઘૃણાસ્પદ ઘટના વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટમાં બની હતી. એની પાછળની સીટ પર બેઠેલા એક પુરુષે એની છેડતી કરી હતી. ઝાયરાએ કહ્યું કે, ‘એ પુરુષ એનાં પગ મારી પીઠ અને ગરદન પર ફેરવતો હતો. પોતે વાંધો ઉઠાવ્યો તે છતાં બાજુમાં બેઠેલા લોકોએ એને કંઈ કહ્યું નહોતું કે એને રોક્યો નહોતો.’

ઝાયરાએ વધુમાં લખ્યું છે કે જ્યારે મેં એ માણસને એવી હરકત કરતો રોકવા કહ્યું તો એણે ફ્લાઈટ ટર્બ્યુલન્સનું કારણ આપ્યું હતું. તે પછી પણ એ તેની ગંદી હરકત કરતા અટક્યો નહોતો. મેં એનો વિડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ અંધારું હોવાથી વિડિયો બની શક્યો નહોતો.

ત્યારબાદ મુંબઈ પહોંચ્યા બાદ તરત જ એણે લાઈવ વિડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. એમાં તે રડીને પોતાની આપવીતી જણાવી રહી છે.

દરમિયાન, વિસ્તારા એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું છે કે એણે ઝાયરાનાં આક્ષેપની ગંભીર નોંધ લીધી છે અને તે ઘટનામાં તપાસ શરૂ કરી છે.

ઝાયરાએ ‘દંગલ’માં હરિયાણાની મહિલા કુસ્તીબાજ ગીતા ફોગાટના બાળપણનો રોલ કર્યો હતો. ‘સીક્રેટ સુપરસ્ટાર’માં ગાયિકા બની છે.

મુંબઈ પોલીસે ઝાયરાનું નિવેદન નોંધી અજાણી વ્યક્તિ સામે એફઆઈઆર નોંધી છે. રાષ્ટ્રીય મહિલા પંચે પણ કહ્યું છે કે તે આ ઘટના અંગે એર વિસ્તારાને નોટિસ મોકલશે.

કેન્દ્રીય મુલ્કિ ઉડ્ડયન મંત્રાલય અને ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એજન્સીએ પણ ઝાયરાની છેડતીની ઘટના વિશેનો વિગતવાર અહેવાલ સુપરત કરવાનો વિસ્તારાને આદેશ આપ્યો છે.

httpss://www.instagram.com/p/Bcfi7-rhCLA/