લાવારીસ વાહનો સામે મુંબઈ મહાપાલિકાની કડક કાર્યવાહી

મુંબઈ – શહેરના રસ્તાઓ પર બિનવારસી પડ્યા રહેતા વાહનોની સમસ્યા દૂર કરવા માટે મહાપાલિકા તંત્ર કડક બન્યું છે. આવા વાહનોનાં માલિકો કે ડ્રાઈવરો સામે હવે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

નવા નિર્ણય અનુસાર, રસ્તાઓ પર લાવારીસ હાલતમાં પડ્યા રહેતા વાહનોને બે જ દિવસમાં ઉઠાવી લેવામાં આવનાર છે.

ત્યારબાદ 30 દિવસની અંદર જે તે વાહનનો માલિક દંડની રકમ ભરીને પોતાનું વાહન લઈ નહીં જાય તો એ વાહનોનું લિલામ કરવામાં કરી દેવામાં આવશે.

લાવારીસ હાલતમાં પડી રહેતા વાહનોમાં પાણી જમા થવાથી મચ્છરોની ઉત્પત્તિ થાય છે એવું માલૂમ પડ્યા બાદ મહાપાલિકા તંત્રે એવા વાહનોને જપ્ત કરી બાદમાં એની હરાજી કરવાનો નિર્ણય લીધો છે.

ગયા ઓગસ્ટમાં પણ પાલિકાતંત્રએ 2,747 લાવારીસ વાહનોને જપ્ત કરી લિલામ કર્યું હતું અને એમાંથી તંત્રને આશરે 96 લાખ રૂપિયાની આવક થઈ હતી. તે ઉપરાંત વાહનોનાં માલિકો પાસેથી દંડ રૂપે મળેલી રકમથી થયેલી આવકનો આંક હતો 1 કરોડ 68 લાખ રૂપિયા.

મહાપાલિકા દ્વારા નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે જે કોઈને રસ્તા પર લાવારીસ વાહન પડેલું દેખાય તો 1416 ફોન નંબર પર ફોન કરી ફરિયાદ કરી દેવી અથવા www.mcgm.gov.in અથવા portal.mcgm.gov.in પર જાણ કરી દેવી.