મુંબઈ – ભ્રષ્ટાચારને લગતા એક કેસમાં પોતાનું નામ આવ્યા બાદ તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની અત્રેની ઓફિસમાં સામે ચાલીને જવાની અગાઉ જાહેરાત કરનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે પોતાનો નિર્ણય આજે રદ કર્યો છે. એમણે કહ્યું કે પોતાની એ મુલાકાતને કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે તેથી ઈડીની ઓફિસે ન જવાની શહેરના પોલીસ કમિશનરે કરેલી વિનંતીને માન આપીને પવારે પોતાનો નિર્ણય રદ કર્યો છે.
પવારે આજે સવારે બપોર બાદ ઈડીની ઓફિસે જવાની જાહેરાત કરી હતી, પણ એના અમુક કલાકો પહેલા જ એજન્સીએ પવારને લેખિતમાં જણાવ્યું હતું કે તમારે ઓફિસે આવવાની કોઈ જરૂર નથી. ભવિષ્યમાં જ્યારે જરૂર જણાશે તો તમને જાણ કરીશું.
મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેન્ક દ્વારા ગેરકાયદેસર રીતે મંજૂર કરેલી લોનના રૂ. 25,000 કરોડના કૌભાંડ અંગે નોંધવામાં આવેલી મની લોન્ડરિંગને લગતી ફરિયાદમાં પવારનું નામ આવતાં એનસીપીના કાર્યકર્તાઓએ જોરદાર રીતે વિરોધ કર્યો છે. એમના વિરોધ વચ્ચે પવારે ઈડીની ઓફિસે જવાની જાહેરાત કરતાં પોલીસતંત્ર ચિંતામાં આવી પડ્યું હતું. દક્ષિણ મુંબઈના બેલાર્ડ પીઅરમાં આવેલી ઈડીની ઓફિસની આસપાસ સલામતીનો બંદોબસ્ત એકદમ કડક બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ, પવારે મુલાકાત રદ કર્યાની જાહેરાત કરતાં પોલીસતંત્રએ રાહતનો દમ ખેંચ્યો હશે.
પવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મુંબઈના પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર આજે પોતાને મળ્યા હતા અને વિનંતી કરી હતી કે મારે ઈડીની ઓફિસે ન જવું, કારણ કે એનાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તથા શિવસેનાએ પણ પવારનું સમર્થન કર્યું હતું. રાહુલે કહ્યું કે 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નક્કી થઈ છે ત્યારે કેન્દ્રીય તપાસ એજન્સીએ કેસમાં પવારનું નામ જોડ્યું છે એ સરકારનું રાજકીય તકવાદીપણું બતાવે છે.
શિવસેનાનાં સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું કે સરકારે ધ્યાન રાખવું જોઈએ કે બધું શું બની રહ્યું છે. પવારનું નામ લેતા પહેલાં ઈડીના અધિકારીઓએ સરકાર સાથે ચર્ચા કરવી જોઈતી હતી. પવારજી ધુરંધર નેતા છે. આખા રાજ્યમાં એમના સમર્થકો છે. એટલે આની પ્રતિક્રિયા તો ચોક્કસ આવે.