મુંબઈઃ સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠું બનાવવાના મુંબઈના પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મંજૂરી આપી દીધી છે. આ પ્લાન્ટ દ્વારા દરરોજ 20 કરોડ લિટર પાણી પ્રોસેસ કરવામાં આવશે. આ પ્લાન્ટ મલાડ (વેસ્ટ)ના મનોરી ખાતે બનાવવામાં આવશે.
સમુદ્રના પાણીમાંથી ક્ષાર દૂર કરીને એને પીવાલાયક મીઠું બનાવવા માટેના આ સૂચિત પ્લાન્ટને ઠાકરેએ સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે યોજેલી બેઠકમાં મંજૂરી આપી હતી. એ બેઠકમાં મુંબઈ ઉપનગરો માટેના પાલકપ્રધાન આદિત્ય ઠાકરે, મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર, મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ, મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર અજોય મહેતા, સરકારના મુખ્ય સચિવ આશિષકુમાર સિંહ, મુખ્ય પ્રધાનના મુખ્ય સચિવ વિકાસ ખારગે, મુંબઈ મહાનગરપાલિકાના અધિક કમિશનર પી. વેલરાસૂ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ સૂચિત પ્રોજેક્ટ વિશે કહ્યું હતું કે મુંબઈમાં ગયા અમુક વર્ષોમાં વરસાદ મોડો પડતાં મે અને જૂન મહિનાઓમાં પાણીકાપ લાગુ કરવો પડ્યો હતો. એવી પરિસ્થિતિ તો ટાળી શકાય જો સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવી શકાય. દુનિયામાં અનેક દેશોમાં આ પ્રયોગ સફળ રહ્યો છે, તો અમુક દેશોમાં આવા પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. મુંબઈ જેવા મહાનગરમાં પણ આવો પ્રોજેક્ટ લાભદાયક બની શકે તેથી એ દિશામાં આપણે આગળ વધીએ.
