રેલવે પ્રવાસીઓની સમસ્યા માટે લડત ચલાવનાર બિપીન ગાંધીનું નાશિક સ્ટેશને નિધન

નાશિક – મૃત્યુ કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે આવી શકે છે. આ હકીકત આપણને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના દેહાંત વખતે જાણવા મળી હતી. એ જ વાત આજે અહીંના રેલવે સ્ટેશના પ્લેટફોર્મ ઉપર પણ સાબિત થઈ હતી જ્યારે રેલ પરિષદના અધ્યક્ષ બિપીન ગાંધીનું હૃદયરોગના હુમલાને કારણે પ્લેટફોર્મ પર નિધન થયું હતું. ગાંધી 65 વર્ષના હતા.

બિપીન ગાંધી રેલવે પ્રવાસીઓની સમસ્યા દૂર કરવા માટે એમને માટે સવલતો-સુવિધાઓ વધારવા માટે લડત ચલાવવા માટે જાણીતા હતા. એમણે જ પંચવટી એક્સપ્રેસને આદર્શ એકપ્રેસનો દરજ્જો અપાવ્યો છે.

નવા લૂક સાથેની પંચવટી એક્સપ્રેસને આવકારવા માટે બિપીન ગાંધી નાશિક રોડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊભા હતા. ટ્રેન આવવાને માંડ પાંચ મિનિટની જ વાર હતી ત્યારે એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એમનું પ્રાણપંખેરું ત્યાં જ ઊડી ગયું હતું. ગાંધીને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડોક્ટરોએ એમને મૃત ઘોષિત કર્યા હતા.

મુંબઈ અને નાશિક વચ્ચે દોડતી પંચવટી એક્સપ્રેસની 21 ડબ્બાઓવાળી નવી ટ્રેનના સ્વાગત માટે બિપીન ગાંધી નાશિક સ્ટેશને ગયા હતા, પરંતુ ત્યાં એમને હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો હતો.

ગાંધીના નિધનને કારણે નાશિકમાં આનંદનું વાતાવરણ એકાએક ગમગીનીમાં ફેરવાઈ ગયું હતું.

બિપીન ગાંધીના પરિવારમાં એમના પત્ની, બે પુત્ર અને એક પુત્રી છે.

બિપીન ગાંધીએ એમનું આખું જીવન નાશિક-મુંબઈ વચ્ચે ટ્રેન પ્રવાસ કરનારાઓની સમસ્યાઓ દૂર કરવા, એમની સફર આરામદાયક અને આનંદદાયક બની રહે એ માટે સેવા બજાવી હતી, કાર્યો કર્યા હતા.

મનમાડ અને મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ વચ્ચે દોડતી પંચવટી એક્સપ્રેસ નાશિક જિલ્લાની જીવાદોરી ગણાય. આ ટ્રેનમાં આજથી એર ટેન્ક, એર ડિસ્ક બ્રેક ટેક્નોલોજીવાળા નવા ડિઝાઈન કરેલા કોચ જોડવામાં આવ્યા હતા. પરિણામે નાશિક મનમાડનાં લોકો માટે નવી પંચવટી એક્સપ્રેસ મળ્યાનો આનંદ છવાયો હતો, પરંતુ બિપીન ગાંધીનાં અકાળે નિધનથી સન્નાટો છવાઈ ગયો છે. બિપીનભાઈએ છેલ્લા શ્વાસ સુધી પોતાનું જીવન રેલવેપ્રવાસીઓ માટે સમર્પિત કર્યું હતું.