મુંબઈઃ દરરોજ અખબાર હાથમાં આવે કે અઠવાડિયે સાપ્તાહિકની કૉપી એક બેઠકે પૂરી વાંચી જઈએ એ આપણા માટે સહજ હતું. છેલ્લાં બેત્રણ વર્ષથી થોડો બદલાવ આવ્યો છે. હવે હથેળીમાં સેલફોન ગોઠવાઈને અખબારની બધી માહિતી આપણા સુધી પહોંચવા માંડી અને એનાથી પણ આપણે ટેવાવા માંડ્યા છે. આ સહજતા છતાં ન્યૂસ અને વ્યૂઝના ભંડાર તમારી સામે ખુલ્લા કરનાર પત્રકાર કે તંત્રીને સામાન્ય ભાવક સરળતાથી નથી મળી શકતો.
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ “આજનું પત્રકારત્વ” આ નામ હેઠળ એક સંવાદ ગોષ્ઠિ યોજીને મુંબઈના પત્રકાર જગતના ત્રણ અવ્વલ પત્રકારોના સંઘર્ષની, આજના કાર્યક્ષેત્રની, વાચકની અપેક્ષાઓની તથા ભવિષ્યના પડકારોની વાત ભાવકો સામે મૂકવાનું આયોજન કર્યું છે. ‘ચિત્રલેખા’ના તંત્રી હીરેન મહેતા, ડિજિટલ મેગેઝિન ‘ મુંબૈયા ગુજરાતી”ના સ્થાપક તથા તંત્રી રાજેશ થાવાણી અને ન્યૂઝ કન્ટિન્યુઝ.કોમના સંપાદક ડૉ.મયુર પરીખ સાથે જ્હાનવી પાલ અને પ્રતિમા પંડ્યા સંવાદ કરશે. હાજર શ્રોતાઓ પણ પેનલના સભ્યોને પ્રશ્ન પૂછી શકશે.
આ કાર્યક્રમ સાત જાન્યુઆરી રવિવારે સાંજે ૫.૩૦ વાગ્યે (સમયસર) કેઈએસ ગુજરાતી ભાષાભવન, બીજે માળે, જયંતીલાલ પટેલ લૉ કૉલેજ, કાંદીવલી રિક્રિએશન ક્લબની બાજુમાં, કાંદિવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. આ જાહેર કાર્યક્રમ છે અને બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોને ધોરણે છે.