આજે ગણેશ વિસર્જનઃ ગણપતિ બાપાને વિદાય કરવા મુંબાપુરી સજ્જ

મુંબઈઃ આ વર્ષના ગણેશોત્સવનો આજે આખરી દિવસ છે. આજે અનંત ચતુર્દશી પર્વના રોજ ભગવાન ગણપતિજીને એમના ભક્તો ભાવપૂર્વક વિદાય આપશે. ગણેશ વિસર્જનનો આજનો દિવસ સુખરૂપ, કોઈ અનિચ્છનીય બનાવ વગર પાર પડી જાય એ માટે મુંબઈનું મહાપાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

ગણેશ વિસર્જન પર્વ સફળતાપૂર્વક પાર પાડવાની જવાબદારી મહાનગરપાલિકાની રહે છે. મહાપાલિકાએ આશરે 10 હજાર કર્મચારીઓને તૈનાત કર્યા છે. સાર્વજનિક ગણેશોત્સવ મંડળો ખાતે તેમજ ઘરેલુ સ્તરે સ્થાપિત કરાયેલી ભગવાન ગણપતિની મૂર્તિઓનાં વિસર્જન માટે શહેરના દરિયાકિનારાઓ પર જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાકાંઠાઓ પર ભીડ ન થાય એટલા માટે મહાનગરપાલિકાએ ઘરેલુ મૂર્તિઓના આસાન રીતે વિસર્જન માટે ઠેરઠેર કૃત્રિમ તળાવોની પણ વ્યસ્થા કરી છે. એ માટે 198 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને તેની યાદી દરેક વોર્ડમાં જાહેર કરવામાં આવી છે.

વિસર્જન માટે લોકોની ગીરદી ન થાય એ માટે ભક્તોને વિસર્જન સમય ઓનલાઈન પદ્ધતિથી પણ નોંધવાની જાણ કરવામાં આવી છે. નાની ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે અનેક ઠેકાણે 46 જર્મન તરાપાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે મોટી મૂર્તિઓના વિસર્જન માટે તમામ ચોપાટીઓ ખાતે સ્ટીલની બનાવેલી 468 પ્લેટ તૈયાર કરવામાં આવી છે.

નાગરિકોની સુરક્ષા માટે 764 જીવનરક્ષકોને પણ ચોપાટીઓ ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ 48 મોટરબોટ પણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મૂર્તિ પરથી ઉતારી લેવાયેલા ફૂલ, હાર તથા અન્ય ચીજવસ્તુઓ (નિર્માલ્ય) એકત્ર કરવા માટે જંગી કદના 150 નિર્માલ્ય કળશ સહિત 282 નિર્માલ્ય વાહનોની પણ સુવિધા તૈયાર કરવામાં આવી છે.

વિસર્જન માટે મુખ્ય નિયંત્રણ કક્ષ સહિત પ્રશાસકીય વિભાગ અંતર્ગત બીજા 188 નિયંત્રણ કક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષા જાળવવા માટે 60 નિરીક્ષણ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. 68 સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યા છે. 75 પ્રાથમિક ઉપચાર કેન્દ્રો તેમજ 61 એમ્બ્યૂલન્સ સજ્જ છે. અસરકારક પ્રકાશ યોજના માટે 1083 ફ્લડલાઈટ્સ અને 27 સર્ચલાઈટ મૂકવામાં આવી છે. 121 મોબાઈલ (ફરતા) શૌચાલય મૂકવામાં આવ્યા છે. અગ્નિશામક દળે તેના અસંખ્ય જવાનો અને વાહનોને સજ્જ રાખ્યા છે.