મુંબઈઃ શહેરની હોસ્પિટલમાં બે સપ્તાહ સુધી કોરોના વાઇરસ સામેની લડાઈ લડ્યા પછી 93 વર્ષીય ઘાટકોપરનિવાસી લક્ષ્મીબાઈ હીરજી મથરાવાલા સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યાં છે ત્યારે પરિવારના દરેક સભ્યના ચહેરા પર આનંદ હતો. તેમની સારવાર કરી રહેલાં ડોક્ટરો અને નર્સો માટે પણ આ સુખદ ઘડી હતી, કેમ કે કોરોના વાઇરસથી વિશ્વઆખું હાલ ત્રસ્ત હતું અને હજી સુધી આ રોગની દવા શોધાઈ નહોતી.
વળી લક્ષ્મીબાની વૃદ્ધાવસ્થાને લીધે સૌકોઈ ચિંતાતુર હતા, પણ તેમણે હિંમત ના હારતાં આ રોગને માત આપી છે. સાચા અર્થમાં તેઓ કોરોનાયોદ્ધા સાબિત થયા.
દાદીમામાં કોરોનાનાં લક્ષણો
પરિવારના સભ્યોને જ્યારે ખબર પડી કે તેમનાં દાદીમાને કોરોના વાઇરસ થયો છે, ત્યારે તેમની વયને ધ્યાનમાં લેતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ, પણ આ રોગ સામે દાદીમાએ હિંમત ના હારતાં બહાદુરીથી દાખવી અને આ ઉંમરે પણ જીવવાનો જોસ્સા રાખતાં એકદમ સ્વસ્થ થઈને હાલમાં જ ઘરે પરત ફર્યાં.
બહુ મોટો પરિવાર
લક્ષ્મીબાનો પરિવાર બહુ વિશાળ છે. તેમને ચાર પુત્રો, આઠ પૌત્રો અને આઠ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. તેઓ જ્યારે ઘરે પાછાં ફર્યાં ત્યારે તેમના પરિવારને રાહત થઈ છે. પરિવારનાં સભ્ય કિન્નરી મથરાવાલાએ દાદી વિશે માહિતી આપતાં કહ્યું કે 13 મે તેમનામાં આ વાઇરસના પ્રાથમિક લક્ષણો દેખાયાં અને 15 મેએ તેમનો કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યો. ત્યાર બાદ 17 મેએ જ્યારે તેમનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ હોવાનું માલૂમ પડતાં તેમના પરિવારનો દરેક સભ્ય તેમના માટે ચિંતાતુર થઈ ગયો. પરિવાર માટે કસોટી કાળ હતો. તેમને ચિંતા થઈ કે દાદીને આઇસોલેશનમાં કેવી રીતે એકલા મૂકી દેવાં? તેમને વાઇરસ કરતાં આ ઉંમરે એકલા રાખવાનું વધુ જોખમ હતું. જોકે એ પછી 18 મેએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં.
દાદીની કોરોનાની સારવાર
તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જ્યારે એમ્બ્યુલન્સ લેવા આવી ત્યારે દરેક જણે PPE કિટ્સ પહેરી હતી. દાદીમા માટે આ બધું જીવનમાં અસામાન્ય હતું, પહેલી વાર હતું, છતાં એ ડર્યા વિના હોસ્પિટલમાં દાખલ થયાં. તેમની આસપાસ પરિવારના કોઈ પરિચિત ચહેરા ના હોવા છતાં તેમણે હિંમત રાખી. તેઓ કદાચ અંદરથી ચોક્કસપણે ડર્યા હશે, પણ તેમણે એ તરફ બિલકુલ ધ્યાન ના આપ્યું અને સકારાત્મકતા રાખી. હોસ્પિટલમાં બીજા દિવસે તેમને શ્વાસોચ્છ્શ્વાસની તકલીફ થતાં તેમની તબિયત વધુ બગડી. ડોક્ટરોએ પણ એ વખતે કહ્યું કે તેમની ઉંમરને લીધે રિકવરી જલદી નથી થતી અને વાર લાગશે, કેમ કે આ ઉંમરે વ્યક્તિ રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને જીવવાની ઇચ્છા પણ ઓછી થતી જાય છે, પણ દાદીમાએ તો મજબૂત ઇચ્છાશક્તિ અને સકારાત્મક વલણ દ્વારા રોગને હંફાવી દીધો. તેમને શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા છે.
અમેરિકા, યુકે દુબઈથી વિડિયો કોલ
તેમના પરિવારને એક નવો વિચાર આવ્યો કે તેઓ વિડિયો કોલથી દાદીના ખબરઅંતર પૂછતાં રહેશે. જેથી વિશ્વભરમાંથી તેમને મુંબઈ, પુણે, યુએસએ, યુકે, દુબઈ અને હોંગકોંગથી તેમનાં પુત્રો, પૌત્રો અને પ્રપૌત્રો વિડિયો કોલ કરીને તેમના આરોગ્યની પૃચ્છા કરતા. કોવિડ-19ના સંકટ કાળમાં 93 વર્ષીય દાદીમાએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સફળતાથી અપનાવ્યું. દિવસના અંતે એ આસપાસની નર્સોને ગર્વથી કહેતા કે તેમને વિશ્વના કયા ખૂણેથી વિડિયો કોલ આવે છે!
અવાજ અને વયસંબંધિત શ્રવણ શક્તિ ઓછી
તેમની વયને લીધે વિડિયો કોલને લેવા જરા વધુ મુશ્કેલ હતા, કેમ કે તેમને ICUમાં અવાજ અને વયસંબંધિત શ્રવણ શક્તિ ઓછી હોવાને કારણે સાંભળવામાં તકલીફ પડતી, પણ પછી તેમને ગુજરાતીમાં નોંધ લખીને કેમેરા પર બતાવીને વાતો કરતાં. અવસ્થા અને માંદગી હોવા છતાં તેઓ વાંચી, સમજી અને યોગ્ય પ્રતિસાદ આપતાં.
કોહિનૂર હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે
કોહિનૂર હોસ્પિટલના ડોક્ટરો અને નર્સો સહિતના સ્ટાફે તેમની કાળજીથી સારવાર કરી હતી. તેઓ પણ દાદીમાની રોગપ્રતિકારક શક્તિ જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. ખાસ કરીને ડો. ચેતન વેલાણીએ તેમની ઘરના સભ્ય હોય એ રીતે માવજત કરી હતી.
ખરાબ તબક્કામાંથી બહાર આવ્યાં
છેવટે 23 મે એ દાદીમા ખરાબ તબક્કામાંથી બહાર આવ્યાં. તેમણે ભૂખ લાગતાં જમવામાં થેપલાં, ખાંડવી અને જલેબી ખાવા માટે માગી હતી. 2 જૂને એકદમ સ્થસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તેઓ સાચા અર્થમાં કોરોનાયોદ્ધા બન્યા અને અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યાં.
સારવારમાં રહેલા લોકોનો આભાર માન્યો
તેમણે અને તેમના પરિવારે બધા રિયલ હીરો એટલે કે તેમની સારવારમાં રહેલા ડોક્ટરો, નર્સો, કેર ટેકર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઇવરો સહિના લોકોનો આભાર માન્યો હતો.
લક્ષ્મીબા હવે એકદમ સ્વસ્થ અને સુખરૂપ ઘરે છે અને તેમની મનપસંદ ખોરાક લઇ રહ્યાં છે અને વિશ્વમાં ફેલાયેલા પરિવારના સભ્યોને ડિજિટલ આર્શીવાદ આપી રહ્યાં છે.