મુંબઈના ગોવંડીમાં ફાર્મા કંપનીમાંથી ગેસ લીક થતાં લોકોમાં ગભરાટ

મુંબઈઃ પૂર્વ મુંબઈના ઘાટકોપર, ચેંબૂર, ગોવંડી, કાંજુરમાર્ગ, વિક્રોલી, પવઈ જેવા કેટલાક ભાગોમાં ગઈ કાલે મોડી રાતે ગેસની વાસ, કોઈક દુર્ગંધ આવતી હોવાની અનેક રહેવાસીઓએ ફરિયાદ કરી હતી. મહાનગરપાલિકાના તંત્રએ ત્વરિત પગલાં લીધા હતા.

મહાનગરપાલિકાના ટ્વિટર હેન્ડલ પર રહેવાસીઓને જણાવાયું હતું કે ગભરાવાની જરૂર નથી. પરિસ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. દુર્ગંધ આવે તો નાક ઢંકાઈ જાય એ રીતે ચહેરાને ભીના ટુવાલ કે કપડાથી કવર કરવો.

એક અહેવાલ મુજબ, ગોવંડી ઉપનગરમાં યૂ.એસ. વિટામીન ઈન્ડિયા લિમિટેડ નામની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ગેસ લીક થયો હતો.

ચીફ ફાયર ઓફિસર પી.એસ. રહાંગડેએ ગેસ લીક થયાના અહેવાલોને સમર્થન આપ્યું હતું.

પૂર્વના ઉપનગરોના ઘણાં લોકો દુર્ગંધને કારણે ગઈ કાલે આખી રાત સૂઈ શક્યા નહોતા. અમુક રહેવાસીઓનાં જણાવ્યા મુજબ ગેસની વાસ સવારે લગભગ ચારેક વાગ્યે બંધ થઈ હતી.

ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે ગોવંડીમાં યૂ.એસ. વિટામીન ઈન્ડિયા લિમિટેડ નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ગેસ લીક થયો હતો. ફાયરમેનોને તરત જ ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યા હતા. ગેસ ગળતરની ઘટનાની તપાસ ચાલી રહી છે.

ગઈ કાલે મોડી રાતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને શહેરના પૂર્વીય ઉપનગરોમાં દુર્ગંધ ફેલાઈ હોવાની ફરિયાદ કરતાં અનેક ફોન કોલ્સ મળ્યા હતા.

રાજ્યના પ્રધાન આદિત્ય ઠાકરેએ વહેલી સવારે ટ્વીટ કર્યું હતું કે, પરિસ્થિતિ અંકુશ હેઠળ છે. મુંબઈના કેટલાક ભાગોમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદોના સંદર્ભમાં મુંબઈ ફાયર બ્રિગેડ તથા અન્ય તમામ સંભવિત અને જરૂરી તંત્રોને કામે લગાડવામાં આવ્યા હતા. મારી તમામ નાગરિકોને અપીલ છે કે તેઓ ગભરાય નહીં. તમારા ઘરની બારીઓ બંધ કરી દો. મુંબઈ મહાનગરપાલિકા આ પરિસ્થિતિ પર સક્રિય રીતે નજર રાખી રહી છે.

મહાનગર ગેસ લિમિટેડના અધિકારીઓએ કહ્યું હતું કે આ દુર્ગંધને એમની કંપની સાથે કોઈ લેવાદેવા નથી. એમજીએલને પણ ગેસની વાસ આવતી હોવા વિશે અનેક ફરિયાદો મળી્ હતી. કંપનીની ઈમરજન્સી ટૂકડીઓને સ્થળો પર મોકલવામાં આવી હતી, ગેસ પાઈપલાઈન સિસ્ટમ્સનું ચેકિંગ કરાયું હતું, પરંતુ ક્યાંય કોઈ પ્રકારનો ગેસ લીક થયાનું માલૂમ પડ્યું નહોતું.