આગાહી સાચી પડે તો, મુંબઈમાં 11 જૂનથી ચોમાસું શરૂ

મુંબઈઃ નૈઋત્યનું ચોમાસું કેરળમાં ગઈ 1 જૂને બેસી ગયા બાદ સમયસર રીતે આગળ વધી રહ્યું છે. ચોમાસું મુંબઈમાં 11 અને 15 જૂન વચ્ચે બેસે એવી ધારણા છે.

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું દેશના અનેક ભાગોમાં અનુકૂળ બની રહ્યું છે.

ચોમાસું હાલ કર્ણાટક, તામિલનાડુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના અનેક ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે.

હવામાન વિભાગે તેના લેટેસ્ટ વેધર બુલેટિનમાં જણાવ્યું છે કે ચોમાસું કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગોવા, કોકણ (મહારાષ્ટ્ર)માં બેસે એ પ્રમાણે આગળ વધી રહ્યું છે.

ભારતમાં આ વખતે કુલ 96 ટકાથી લઈને 104 ટકા વરસાદ પડવાની આગાહી છે.

ચોમાસું ગુજરાતમાં 20-25 જૂન વચ્ચે બેસે એવી આગાહી છે. ત્યારબાદ 30 જૂને એ રાજસ્થાનમાં બેસશે.

ધીમે ધીમે દેશના ઉત્તર ભારતના ભાગોમાં પણ નિર્ધારિત સમયાનુસાર બેસી જવાની ધારણા છે.

બંગાળના અખાતના આકાશમાં પૂર્વ-મધ્ય ભાગ પર હવાનું નીચું દબાણ સર્જાયું હોવાથી ચોમાસું 11-12 જૂને પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કીમ અને ઈશાન ભારતના રાજ્યોના અમુક ભાગોમાં બેસશે.