કોર્ટે સંજય રાઉતની સામે વોરન્ટ જારી કર્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઘમસાણની વચ્ચે ફરી એક વાર સંજય રાઉતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. EDના સમન્સ પછી હવે મુંબઈની એક કોર્ટે સંજય રાઉતની સામે વોરન્ટ જારી કર્યું છે. ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાનાં પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ફરિયાદને પગલે  હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા પછી મુંબઈની એક કોર્ટે શિવસેનાના સાંસદ સંજય રાઉતની સામે જમાનતી વોરન્ટ જારી કર્યું છે. તેમને 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવા કહેવામાં આવ્યું છે.

સેવરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે ગયા મહિને રાઉતની સામે સમન્સ જારીને તેમને ચોથી જુલાઈએ હાજર થવા આદેશ આપ્યો હતો, પણ રાઉત કે તેમના વકીલ કોર્ટમાં હાજર નહોતા થયા, એમ મેધા સોમૈયાના વકીલ વિવેકાનંદ ગુપ્તાએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે રાઉત હાજર ના થતાં તેમની સામે વોરંટ જારી કરવા માટે એક અરજી કરી હતી, જેને કોર્ટ મંજૂર કરી હતી. કોર્ટે આ કેસની સુનાવણી હવે 18 જુલાઈએ રાખી છે.

મેજિસ્ટ્રેટે સમન્સ જારી કરતાં કહ્યું હતું કે રેકોર્ડ પર રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને વિડિયો ક્લિપથી પ્રાથમિક રીતે માલૂમ પડે છે કે આરોપીએ ફરિયાદકર્તા મેધાની સામે અપમાનજનક નિવેદન કર્યું હતું, જેને જનતા દ્વારા મોટા પાયે જોવામાં આવ્યું અને લોકો દ્વારા ન્યૂઝપેપરમાં વાંચવામાં આવ્યું હતું. આરોપી સંજય રાઉતે જે શબ્દો કહ્યા હતા, એનાથી ફરિયાદકર્તા મેધાની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે.