મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો હજી સમાપ્ત થયો નથી. આ સતત બીજા વર્ષે પણ ગણેશોત્સવને આ રોગચાળો નડી ગયો છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ ઉત્સવની ઉજવણીને ધ્યાનમાં લઈને કેટલાક નિયમોની જાહેરાત કરી છે. ગણપતિની મૂર્તિઓનાં વિસર્જન માટે મહાપાલિકાએ શહેરમાં 173 કૃત્રિમ તળાવોની રચના કરી છે. 73 કુદરતી વિસર્જન સ્થળો છે.
આ છે નિયમોઃ
- ગણેશોત્સવ દરમિયાન જાહેર સ્થળોએ સામાજિક અંતર રાખવું, મોઢા પર માસ્ક વગેરે પહેરવા જેવા કોરોના પ્રતિબંધક નિયમોનું પાલન કરવું આવશ્યક
- ઘરમાં ગણપતિની મૂર્તિનું આગમન સરઘસ સ્વરૂપનું હોવું ન જોઈએ
- ઘરેલુ ગણેશમૂર્તિની પધરામણી વખતે વધુમાં વધુ પાંચ વ્યક્તિનો સમૂહ રાખવો
- શક્ય હોય તો વ્યક્તિઓએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધાં હોવા જોઈએ
- ઘરેલુ મૂર્તિ શક્ય હોય તો ધાતૂની અથવા સંગેમરમરની રાખવી અને તેનું ઘરમાં જ પ્રતીકાત્મક વિસર્જન કરવું
- શક્ય ન હોય તો નજીકના કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરાવવું.
- વિસર્જન માટે સરઘસાકારે જવું નહીં. ઘરેલુ વિસર્જન વખતે ચાલી કે ઈમારતની તમામ મૂર્તિઓને એકસાથે લઈ જવી નહીં.
- વિસર્જન વખતે કરાતી આરતી અને પૂજા ઘરમાં જ કરી લેવી
- કન્ટેનમેન્ટ ઝોન્સમાં સાર્વજનિક મંડળોના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન ત્યાંના મંડપમાં જ કરવું અથવા વિસર્જન મુલતવી રાખવું. સીલ કરાયેલા મકાનોમાંની ગણપતિ મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ કરવું.
- સાર્વજનિક ગણેશ મૂર્તિઓના આગમન તથા વિસર્જન વખતે 10થી વધારે વ્યક્તિ કે કાર્યકર્તાઓ હાજર રહેવા ન જોઈએ. તે કાર્યકર્તાઓએ રસીના બંને ડોઝ પંદર દિવસ પહેલાં જ લઈ લીધા હોવા જોઈએ. સાર્વજનિક મંડળોએ હાર, ફૂલ વગેરે ચીજોનો ઓછો ઉપયોગ કરવો.
- ઘરેલુ ઉજવણી માટે ગણપતિની મૂર્તિની ઉંચાઈ બે ફૂટ કરતાં વધારે હોવી ન જોઈએ. જાહેર સ્થળોએ મૂર્તિની ઉંચાઈ ચાર ફૂટથી વધારે હોવી ન જોઈએ. ગણપતિની મૂર્તિના આગમન વખતે જાહેર સ્થળોએ પણ કોઈ પ્રકારનું સરઘસ કાઢવું નહીં.
- સાર્વજનિક મંડળોએ ભક્તોને ગણપતિનાં માત્ર ઓનલાઈન, કેબલ નેટવર્ક દ્વારા, વેબસાઈટ દ્વારા, ફેસબુક, સોશિયલ મિડિયા દ્વારા જ દર્શન કરાવવા. મૂર્તિના પ્રત્યક્ષ દર્શનની સખત મનાઈ છે.